યુવકે ૩ દિવસ ભાડે આપેલી થારનું એન્જિન બદલાઈ ગયું, ગેરેજ સંચાલક સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ

આજવા રોડ સ્થિત હરી ટાઉનશિપમાં રહેતા આકાશભાઈ ભગતે પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Engine-of-Thar-rented-out-by-a-young-man-was-swapped-complaint-filed-against-three-individuals-including-the-garage-owner

- એન્જિનમાંથી અવાજ આપતા ગેરેજમાં તપાસ કરાવી,એન્જિન મૂળ RC બૂકના નંબર સાથે મેચ ન થયું, કપુરાઈ ચોકડી પાસેના ઓટો ગેરેજમાં ગાડી એક દિવસ રહી હતી

વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા વેપારીએ પોતાની મહિન્દ્રા થાર મિત્ર મારફતે ભાડે આપી હતી. ત્રણ દિવસ માટે રેન્ટ પર ગયેલી ગાડી પરત આવ્યા બાદ એન્જિનમાંથી અસામાન્ય અવાજ આવતાં ગેરેજમાં તપાસ કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ગાડીમાં મૂળ એન્જિનના બદલે અન્ય થારનું જૂનું એન્જિન લગાવવામાં આવ્યું હોવાનું સામે આવતાં વેપારીએ ત્રણ વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

શહેર આજવા રોડ સ્થિત હરી ટાઉનશિપમાં રહેતા અને માંજલપુરમાં પાણીનો પ્લાન્ટ ચલાવતા આકાશભાઈ રાકેશભાઈ ભગતે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની માલિકીની મહિન્દ્રા થાર છેલ્લા એક વર્ષથી મિત્ર મેહુલ પંકજભાઈ ચૌહાણને ભાડે આપી હતી. મેહુલ ગાડી અલગ-અલગ ગ્રાહકોને રેન્ટ પર આપી દર મહિને ભાડું ચૂકવતો હતો. ફરિયાદી ગાડીનું GPS પણ પોતાના મોબાઈલમાં ટ્રેક કરતા હતા.

18 જુલાઈએ મેહુલે ફોન કરીને જણાવ્યું હતું કે, ત્રણ દિવસની ટ્રિપ બાદ પરત આવેલી ગાડીના એન્જિનમાંથી અવાજ આવે છે અને સ્પીડ પણ ઓછી થઈ ગઈ છે, જેથી ગાડી ગેરેજમાં બતાવવામાં આવશે. ત્યારબાદ 20 જુલાઈએ ફરિયાદીએ ગાડી પરત લઈ પોતાના ઓળખીતા ગેરેજમાં તપાસ કરાવી હતી. ડીઝલ નોઝલ અને ચેઇન કીટ બદલવા છતાં એન્જિનનો અવાજ યથાવત રહ્યો હતો.

3 ઓગસ્ટે ગેરેજમાં એન્જિન ખોલીને તપાસ કરતાં ગાડીમાં રહેલું એન્જિન મૂળ આરસી બુકમાં નોંધાયેલા નંબર સાથે મેચ ન થતું હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં હાલ ગાડીમાં અન્ય નંબરનું એન્જિન લગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળતાં ફરિયાદીએ મિત્ર મેહુલનો સંપર્ક કર્યો હતો. મેહુલે જણાવ્યું હતું કે, 14થી 17 જુલાઈ દરમિયાન કૃષ્ણા પાંડે નામનો વ્યક્તિ ગાડી ભાડે લઈ ગયો હતો.

ત્યારબાદ ફરિયાદીએ GPS લોકેશન તપાસતાં ગાડી 15 જુલાઈની સાંજથી 16 જુલાઈના બપોર સુધી કપુરાઈ ચોકડી નજીક ભારત પેટ્રોલપંપ પાસેના ઓટો સ્પેસ ગેરેજમાં ઊભી હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદી ત્યાં પહોંચીને ગેરેજ સંચાલક દીપ જિતેન્દ્રકુમાર સલાટને પૂછપરછ કરતાં શરૂઆતમાં તેણે વાત ટાળી હતી.

જો કે બાદમાં કડક પૂછપરછમાં સન્નીસિંહ રાજપૂત ગાડી લઈને આવ્યો હતો અને ફરિયાદીની થારનું એન્જિન કાઢીને બીજી થારમાં ફિટ કરવામાં આવ્યું હોવાનું તથા ફરિયાદીની ગાડીમાં જૂનું એન્જિન લગાડવામાં આવ્યું હોવાનું જણાવ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ત્યારે આશરે 2 લાખની કિંમતનું મૂળ એન્જિન બદલી છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતુ. પોલીસે કૃષ્ણા પાંડે, સન્નીસિંહ રાજપૂત અને ગેરેજ સંચાલક દીપ જિતેન્દ્રકુમાર સલાટ સામે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments