- પોલીસે મુસાફર પવનકુમાર હનુમાનથાપા એસ એચ (ઉંમર વર્ષ 45)ની પૂછપરછ કરતા આ કારતૂસ તેઓને તુર્કીથી મળી હોય તે ભૂલથી બેગમાં રહી ગઇ જોવાનું જણાવ્યું હતું
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ પર મુસાફરોના સ્ક્રિનિંગ દરમિયાન એક મુસાફરના બેગમાંથી ફુટેલી કારતુસ મળી આવતા પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. મુસાફરે તેને કોઈ જગ્યાથી આ ફૂટેલી કારતૂસ મળી હોય અને ભૂલથી તેની પાસે રહી ગઈ હોવાનું જણાવ્યું છે. જેથી હરણી પોલીસે હાલમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ ઉપરથી તાજેતરમાં જ એક વિદેશી મુસાફરના બેગમાંથી કારતુસના ખાલી ખોખા મળી આવ્યા હતા. જેને લઈને પોલીસ સહિતની એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી અને આ વિદેશી આરોપીને ખાલી કારતૂસ ક્યાંથી આવ્યા ક્યાંથી તેની પૂછપરછ શરૂ કરાઈ હતી. ત્યારે ફરીવાર હરણી એરપોર્ટ પર તારીખ 15 નવેમ્બરના રોજ વહેલી સવારે વડોદરાથી મુંબઈ જતી ફ્લાઈટના મુસાફરોના સામાનનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક મુસાફરના સામાનનું સ્ક્રીનિંગ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરાતા ટ્રોલી બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય આવી હતી.
બાદમાં એરપોર્ટ ઓથોરિટીના સુરક્ષા કર્મચારીઓ એક્શનમા આવી ગયા હતા અને મુસાફરના બેગની ચકાસણી કરાઈ હતી. બેગમાંથી એક ફૂટેલી કારતૂસ મળી આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઘટના અંગે તાત્કાલિક જ હરણી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મુસાફરને તેની પાસે આ ખાલી કારતૂસ ક્યાંથી આવ્યું તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસે આ મામલે મુસાફર પવનકુમાર હનુમાનથાપા એસ એચ (ઉંમર વર્ષ 45) ની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, તેઓ મૂળ મૈસૂર કર્ણાટકના રહેવાસી છે. તેઓ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે અને તેઓ ગત 12 નવેમ્બરના રોજ ઈસ્તમ્બુલ તુર્કી દેશ ખાતેથી મુંબઈ એરપોર્ટ આવેલા અને ગત તારીખ 13 નવેમ્બરના રોજ મુંબઈથી વડોદરા એરપોર્ટ ખાતે આવી અને ત્યારબાદ તેઓ મકરપુરા જીઆઇડીસી ખાતે ઓફિસના કામથી આવેલા હતા. બાદમાં તેઓ કામ પતાવી હોટેલ હયાત વાસણા ભાયલી રોડ ખાતે બે દિવસ રોકાયા હતા.
બાદમાં ગઈકાલે સવારે મૈસૂર પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા, તે દરમિયાન વડોદરા એરપોર્ટ પરથી મુંબઈ જતા પહેલા જ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરતા બેગમાંથી ફૂટેલી ખાલી કારતુસ મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે. આ કારતૂસ તેઓ તુર્કીથી મળી હોવાનું જણાવ્યું છે અને તે ભૂલથી બેગમાં રહી જોવાનું જણાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


