વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 12 બેઠકો માટે 21 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે,ઉમેદવારોની દોડધામ શરૂ

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

MailVadodara.com - Elections-for-12-seats-on-the-Vadodara-Municipal-Primary-Education-Committee-will-be-held-on-October-21-candidates-have-begun-their-hectic-campaigning

- 6 ઓક્ટોબર ફોર્મ ભરવાની અંતિમ તારીખે, 13 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, 21મીએ ચૂંટણી બાદ બપોરે 3.30 વાગ્યાથી મતગણતરી થશે

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટેનો ધમધમાટ શરૂ થયો છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. એક મહિના બાદ 21 ઓક્ટોબરના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી યોજવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યોની ચૂંટણી યોજવામાં આવશે. જાહેરનામું પ્રસિધ્ધ થતાં જ મહત્વનું પદ મેળવવા માટે કેટલાકે પોતાના ગોડફાધરની શરણે જવાનું નક્કી કરી દીધું છે.
વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આગામી સમયમાં નવી સમિતિની રચના કરવા માટે બોર્ડની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે પાલિકા દ્વારા આજે સત્તાવાર રીતે ચૂંટણી લક્ષી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ચૂંટણી દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે નવા 12 સભ્યોની પસંદગી કરવામાં આવશે. શિક્ષણ સમિતિના વિવિધ હોદ્દાઓ અને અનામત બેઠકોની વાત કરીએ તો, 12 સભ્યો પૈકી 1 બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત, શિક્ષણ સમિતિની કાર્યપ્રણાલી અને ગુણવત્તામાં સુધારો કરવાના હેતુથી એસએસસી (SSC) અથવા તો ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા 3 સભ્યો માટેની ખાસ બેઠકો નક્કી કરવામાં આવી છે, જ્યારે બાકીની 8 બેઠકો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે ફાળવવામાં આવી છે.
વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવા આપવા માટે ઉત્સુક અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઉમેદવારી પત્ર ભરવાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. આ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો આગામી 6 ઓક્ટોબર સુધીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરીને જમા કરાવી શકશે. તમામ ઉમેદવારી પત્રો જમા થયા બાદ 13મી ઓક્ટોબરના રોજ ફોર્મની ચકાસણી (સ્ક્રુટિની) હાથ ધરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આગામી 21મી ઓક્ટોબરના રોજ મતદાન યોજવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે.
મહાનગરપાલિકા કચેરી ખાતે 21 મી ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ જ દિવસે બપોરે 3.30 વાગ્યા બાદ મતગણતરી કરવામાં આવશે અને સાંજ સુધીમાં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. શિક્ષણ સમિતિમાં નવા બોર્ડની ચૂંટણીની જાહેરાત થતાં જ વડોદરાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને વિવિધ દાવેદારોએ પોતાની દાવેદારી મજબૂત કરવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે.

Share :

Leave a Comments