ધો.10ના વિદ્યાર્થીઓના આંતરિક ગુણ ઓનલાઇન પોર્ટલ પર અપલોડ કરવા શિક્ષણ બોર્ડની સૂચના!

શાળાઓએ વિદ્યાર્થીના ગુણ, નામ તથા એપ્લિકેશન નંબરના આધારે સચોટ ભરવાના રહેશે

MailVadodara.com - Education-Boards-instruction-to-upload-internal-marks-of-Std-10-students-on-online-portal

- તા.5થી 21 ફેબ્રુઆરી 2026 દરમિયાન શાળાઓએ શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર લોગ-ઇન કરી ઓનલાઇન ડેટા એન્ટ્રી ફરજિયાત કરવાની રહેશે, સમયમર્યાદા ચૂકશે તો કાર્યવાહી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં યોજાનારી ધોરણ 10ની પરીક્ષાઓને લઈને શાળાઓ માટે મહત્ત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. બોર્ડની મુખ્ય પરીક્ષાઓ હવે અંતિમ તબક્કામાં પ્રવેશી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓના આંતરિક મૂલ્યાંકન તેમજ શાળા કક્ષાના વિષયોના ગુણ ઓનલાઇન પોર્ટલ પર ભરવાની પ્રક્રિયા શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર, ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમાના પરીક્ષાર્થીઓના આંતરિક ગુણ ભરવા માટે શાળાઓને તા. 5 ફેબ્રુઆરી 2026 થી 21 ફેબ્રુઆરી 2026 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન શાળાઓએ શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર લોગ-ઇન કરી ઓનલાઇન ડેટા એન્ટ્રી ફરજિયાત રીતે કરવાની રહેશે.

લોગ-ઇન પ્રક્રિયા માટે શાળાઓએ પોતાના ઇન્ડેક્સ નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. પરીક્ષાર્થીની વિગતોમાં દરેક વિદ્યાર્થીના ગુણ તેમના નામ તથા એપ્લિકેશન નંબરના આધારે સચોટ રીતે ભરવાના રહેશે. જો કોઈ શાળા નિર્ધારિત સમયમર્યાદામાં ગુણ અપલોડ કરવામાં નિષ્ફળ જશે, તો બોર્ડ દ્વારા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આ ઉપરાંત, જે શાળાઓમાં સેક્ટર સ્કિલ કાઉન્સિલ (SSC)ના વોકેશનલ વિષયો ચલાવવામાં આવે છે, તેવી શાળાઓએ પ્રાયોગિક મૂલ્યાંકનના 50 ગુણ પણ ઓનલાઇન પોર્ટલ પર ભરવાના રહેશે. આ ગુણોની એન્ટ્રી સંબંધિત કાઉન્સિલના પ્રતિનિધિ પાસેથી પ્રાપ્ત થયેલા આધારે કરવાની રહેશે.

બોર્ડ દ્વારા વધુમાં જણાવાયું છે કે, ગુણ ભરવાની પ્રક્રિયા દરમિયાન જો કોઈ શાળાને ટેકનિકલ મુશ્કેલી કે અન્ય કોઈ મૂંઝવણ જણાય, તો તેઓ ગાંધીનગર ખાતે આવેલી બોર્ડની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી પુરાવાઓ સાથે સંપર્ક કરી શકશે. આ આંતરિક ગુણો વિદ્યાર્થીઓના અંતિમ પરિણામમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા હોવાથી, તમામ શાળાઓને સંપૂર્ણ તકેદારી રાખવા બોર્ડ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

Share :

Leave a Comments