ગેંડા સર્કલ નજીક 3 મહિનાથી ફૂડ સેફટી લાયસન્સ વગર ચાલતી ડ્રાયફ્રૂટની દુકાન બંધ કરાવાઈ

વડોદરા પાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરાયું હતું

MailVadodara.com - Dry-fruit-shop-operating-without-food-safety-license-for-3-months-near-Genda-Circle-closed

- ગાયત્રી ડ્રાયફ્રુટ નામની દુકાનના ધારક ફૂડ સેફ્ટી અંગેનું લાયસન્સ માગતા મળી આવ્યું ન હતું

વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન સારાભાઈ કંપાઉન્ડમાં એક ડ્રાયફ્રૂટની દુકાન ધારક પાસે ફૂડ સેફટીનું લાયસન્સ ન મળતા તેને બંધ કરાવવામાં આવી હતી.

વડોદરા શહેરમાં અવારનવાર અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો મળી આવ્યો છે. મહાનગરપાલિકાના ફૂડ સેફટી વિભાગ દ્વારા સમયાંતરે ચેકીંગ કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ગેંડા સર્કલ નજીક આવેલા સારાભાઈ કંપાઉન્ડમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાયત્રી ડ્રાયફ્રુટ નામની દુકાનના ધારક પાસે ફૂડ સેફટી અંગેનું લાયસન્સ માગતા તે મળી આવ્યું ન હતું. જેના પગલે અધિકારીઓએ આ દુકાન બંધ કરાવી હતી.

ફૂડ સેફટી વિભાગના મંગુ રાઠવાએ જણાવ્યું હતું કે, આ દુકાન છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી હતી. આસપાસની તમામ દુકાનધારકો પાસે લાયસન્સ હતું પરંતુ આ દુકાનધારક પાસે લાયસન્સ ન હતું જેથી દુકાન બંધ કરાવવામાં આવી છે.

અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેઓ કોર્પોરેશનનું લાયસન્સ નહીં લે ત્યાં સુધી આ દુકાન બંધ જ રહેશે. તેઓને ફૂડ સેફટીના તમામ નિયમોનું પાલન કરવા માટેની સૂચના આપવામાં આવી છે.

Share :

Leave a Comments