વડોદરામાં નશામાં ધૂત ડોર-ટુ-ડોર ટેમ્પો ચાલકે બે લોકોને ફંગોળ્યા બાદ પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી

કિશનવાડી પાસે મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ

MailVadodara.com - Drunk-door-to-door-tempo-driver-rams-parked-tempo-after-hitting-two-people-in-Vadodara

- આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો, ટેમ્પામાંથી દેશી દારૂની પોટલી મળી

- લોકોએ તું દારૂ ક્યાંથી લાવ્યો હતો? પૂછતાં ટેમ્પો ચાલકે કહ્યું કે, અહીંથી જ દારૂની પોટલી લીધી હતી અને પીધી હતી

- પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે જઇ આરોપીને ઝડપી પાડ્યો


વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર મોડી રાત્રે વડોદરા મહાનગરપાલિકાના ડોર ટુ ડોર ટેમ્પોના ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતા પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા શહેરના હરણી વારસિયા રીંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો ચાલક બેફામ બન્યો હતો. મુન્ના ભુરાભાઈ મેડા (ઉ.વ.29 હાલ રહે. મહાકાળી મંદિરની સામે આવેલ ઝુપડામાં, આર.સી.સી. રોડ ગાજરાવાડી, વડોદરા શહેર મુળ રહે. ગામ-થાનલા, તા-જાભવા થાના-થાનલા મધ્યપ્રદેશ)એ ચિક્કાર દારૂ પીધેલો હતો. તેણે પૂરપાટ ઝડપે પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને બંનેને ફંગોળ્યા બાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી હતી. જેથી ટેમ્પો પણ દૂર સુધી ઢસડાયો હતો.


ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને લોકોએ ટેમ્પો ચાલકને ટેમ્પોમાંથી ઉતારીને માર માર્યો હતો અને લોકોએ તેને પૂછ્યું હતું કે, તને પગાર પણ આપે છે?, આ ડોર ટુ ડોર ગાડીનો કોન્ટ્રાક્ટર કોણ છે?, તું દારૂ ક્યાંથી લાવ્યો હતો? જેથી ટેમ્પો ચાલકે કહ્યું હતું કે, અહીંથી જ દારૂની પોટલી લીધી હતી અને પીધી હતી. લોકોએ તેની પાસે લાયસન્સ માંગ્યું હતું, પરંતુ તેની પાસે લાયસન્સ નહોતું અને કહ્યું હતું કે, મારા ઘરે આવો તો લાઇસન્સ બતાવુ. આ ઉપરાંત તે લોકો સાથે વાત કરતા કરતા દાદાગીરી કરતો હતો. તેના ટેમ્પો પર વીએમસી ઓન ડ્યુટી લખ્યું હતું.

અકસ્માતની આ ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગઈ હતી, જેમાં સ્પષ્ટ દેખાતું હતું કે, ટેમ્પો ચાલકે બેફામ બનીને પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ ઉપર ઉભેલા બે લોકોને અડફેટે લીધા હતા અને ત્યારબાદ રોડની બાજુમાં પાર્ક કરેલા અન્ય એક ટેમ્પોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી સ્પીડમાં મારી હતી કે, પાર્ક કરેલો ટેમ્પો પણ દૂર જતો રહ્યો હતો.


અકસ્માતના બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ તુરંત જ પાણીગેટ પોલીસને જાણ કરી હતી. પાણીગેટ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા ટેમ્પો ચાલક આરોપી મુન્ના ભુરાભાઈ મેડા દારૂ પીધેલી હાલતમાં હતો અને તેના ટેમ્પામાં પણ દેશી દારૂની પોટલી મળી આવી હતી. જેને પગલે પાણીગેટ પોલીસે આરોપી સામે પ્રોહીબિશનનો ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં અવારનવાર વાહન ચાલકો દારૂ પીને વાહનો ચલાવે છે અને અકસ્માત સર્જે છે. ઘણી ઘટનાઓમાં તો લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. પોલીસ થોડા દિવસ વાહન ચેકિંગ કરીને પોતાની કામગીરી બતાવે છે, પરંતુ પછી ફરી આ પ્રકારના અકસ્માત થાય છે, ત્યારે વડોદરા શહેર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

Share :

Leave a Comments