નશામાં ધૂત નબીરાએ લેન્ડ રોવરથી પહેલા યુવતીને ટક્કર મારી, પછી ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી

રોંગ સાઇડમાં આવી બાઇકને ટક્કર મારી, જાહેરમાં ટ્રાફિક જવાન સાથે હાથાપાઈ

MailVadodara.com - Drunk-Nabira-first-hit-a-girl-with-a-Land-Rover,-then-scuffled-with-a-traffic-head-constable

- અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલી યુવતીના પગમાં ઈજા પહોંચી, પોલીસે આરોપીની વૈભવી લેન્ડ રોવર ફ્રીલેન્ડર ગાડી કબજે લીધી

વડોદરા શહેરમાં અવાર નવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ગત રોજ(1 ઓક્ટોબર) નવરાત્રિના નવમા નોરતે જૂના મકરપુરા પોલીસ સ્ટેશન પાસે વધુ એક નશામાં ચકચૂર વૈભવી કારચાલકે એક યુવતીને પહેલા ટક્કર મારી અને બાદમાં રોંગ સાઇડ જતા ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે હાથાપાઈ કરી. પોલીસ કર્મી સાથે હાથાપાઈનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના બાદ વૈભવી કાર સાથે યુવકને પોલીસે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આ ઘટના દરમિયાન ટ્રાફિક શાખા પૂર્વ ઝોનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ છોટુભા અને અલસીંગભાઈ દલીયાભાઈ ભવન્સ સ્કૂલ પાસે ટ્રાફિક પોઈન્ટ પર હાજર હતા. આ ઘટના દરમિયાન એક લેન્ડ રોવર ફ્રીલેન્ડર ગાડીના ચાલકે સ્પંદન સર્કલ તરફથી આવીને ભવન્સ સ્કૂલ સર્કલ ફરવાને બદલે રોંગ સાઈડમાં ટર્ન લીધો હતો. દરિમયાન પ્રતાપનગર તરફ જતા ટ્રાફિકમાં બાઈકને ટક્કર મારી હતી.

આ ઘટના બાદ કાર ચાલકે બાઈક સવારો સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. ટ્રાફિક પોલીસે ગાડી સાઈડમાં લેવાનું જણાવતાં, ચાલકે હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સાથે અસભ્ય વર્તન કર્યું સાથે ગાળાગાળી અને હાથાપાઈ કરી હતી. નશામાં ધૂત કાર ચાલકે ભેગા થયેલા રાહદારીઓ સાથે પણ ઝઘડો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી.


આ ઘટનાની જાણ હેડ કોન્સ્ટેબલ અલસીંગભાઈએ પોલીસ કંટ્રોલ રૂમને કરી હતી. જે બાદ મકરપુરા પોલીસ સ્ટેશનની PCR વાન ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટના માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોવાથી આરોપીને માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ આરોપીનું નામ દેવેન્દ્રસિંહ હરિસિંહ સિંધા (રહે. E-501, સત્વ અરોમા ફ્લેટ, સાંઈ ચોકડી પાસે, માંજલપુર, વડોદરા; મૂળ રહે. નવાબજાર, સ્વામી નારાયણ મંદિર પાસે, કરજણ, જિ. વડોદરા) હોવાનું જણાવ્યું હતું.

તપાસ દરમિયાન આરોપીના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી અને તેની આંખો લાલચોળ દેખાતી હતી. પોલીસે નશામાં ધૂત આ કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ વૈભવી કાર લઈ રક્ષિત ચોરસિયા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં ભયાનક અકસ્માત સર્જવામાં આવ્યો હતો ત્યારે તહેવાર ટાણે આ વધુ એક મોટી અકસ્માતની ઘટના ટળી છે. ત્યારે પોલીસે આરોપીની વૈભવી લેન્ડ રોવર ફ્રીલેન્ડર ગાડી કબજે કરી લીધી છે. માંજલપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments