વડોદરા RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક 14 દિવસ બંધ રહેશે, અરજદારોની એપોઇમેન્ટ રિશિડયુલ કરાશે

વડોદરામાં AI ટ્રેકની કામગીરીને લઈ આગામી તારીખ 10થી 23 નવેમ્બર સુધી ટ્રેક બંધ રહેશે

MailVadodara.com - Driving-test-track-at-Vadodara-RTO-will-be-closed-for-14-days-applicants-appointments-will-be-rescheduled

- હાલ જૂના ટેસ્ટ ટ્રેક પર સિવિલ વર્ક કરવાની કામગીરી શરૂ થવાની હોવાથી ટેસ્ટ ટ્રેક બંધ રહેશે

વડોદરા શહેરના દરજીપુરા ખાતે આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે છેલ્લા ઘણા સમયથી ટેકનિકલ ઇસ્યુના કારણે અવાર નવાર ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી ઠપ થતી હોવાથી પરેશાન અરજદારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક માટેની મહત્વની કામગીરી કરવાની હોવાથી આગામી તારીખ 10થી 23 નવેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે.

હાલમાં જૂના ટેસ્ટ ટ્રેક પર સિવિલ વર્ક કરવાની કામગીરી શરૂ થવાની હોવાથી 14 દિવસ આરટીઓ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. આ કામગીરી બાદ AI બેઝ સેન્સર તથા કેમેરા લગાવવાની કામગીરી કરવામાં આવશે. હાલમાં આ પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે, જેથી ટેસ્ટ ટ્રેક બંધ રહેશે.

વડોદરા શહેરના છેવાડે આવેલ દરજીપુરા RTO ખાતે એકમાત્ર ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક હોવાથી દક્ષિણ - પશ્ચિમ વિસ્તારના તથા નજીકના ગામોમાંથી લોકો લાંબુ અંતર કાપીને કચેરી પહોંચતા હોય છે. પરંતુ, છાશવારે ડ્રાઇવિંગ ટેસ્ટની પ્રક્રિયા ખોરવાતા અરજદારો મુશ્કેલીમાં મુકાય છે. આવર નવાર જી સ્વાન નેટ કનેક્ટિવિટીમાં ડેટા ફેચની એરરના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી અવાર નવાર ખોરવાય છે. ત્યારે હવે નવો AI ટ્રેક તૈયાર થઈ રહ્યો છે, જેથી 14 દિવસ ટેસ્ટ આપનાર અરજદારોને મુશ્કેલી પડશે, પરંતુ જે કોઈ અરજદારે આ સમય ગાળા દરમિયાન એપોઇમેન્ટ લીધેલ હશે, તો તે રિશિડ્યુઅલ કરવામાં આવી છે. સાથે આ નવી એપોમેન્ટ અંગેની વિગતો રજિસ્ટર નંબર પર મળી જશે.

અગાઉ આરટીઓ વિભાગમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ચાલતી ગ્રાઉન્ડ સેન્સર ટેકનોલોજી જોઈએ તેટલી સફળ ન નિવડતા લોકોને આ સમસ્યાથી છુટકારો અપાવવા ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ આરટીઓમાં નવી ટેકનોલોજી વિકસાવવા એઆઈ આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની તબક્કાવાર કામગીરી હાથ ધરાઇ છે. હવે વડોદરા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.

Share :

Leave a Comments