- અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થઇ જતાં પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો, પગમાં ઈજા થતાં ડ્રાઇવરને હોસ્પિટલ ખસેડાયા

વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે પર પોર બ્રિજ પર ગઈકાલે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વિશાળ ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતને કારણે એક ટ્રકનો ચાલક ટ્રકના કેબીનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક રીતે વડોદરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમો પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની મહેનત પછી ઇજાગ્રસ્ત ચાલકને કેબિન કાપીને બહાર કાઢ્યો હતો અને તેને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ગઈકાલે મોડી રાત્રે નેશનલ હાઇવે પર પોર પાસે એક ટ્રકની પાછળ બીજો ટ્રક ઘૂસી ગયો હતો. ઘટનાને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી પોલીસ ઘટનાસ્થળે ગઈ હતી અને તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ સમયે ટ્રકનો ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને તેનું રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. ડ્રાઇવર ટ્રકના કેબિનમાં ફસાઈ ગયો હતો. જેથી તેને બહાર કાઢવા મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું. જોકે અધ્યાધુનિક સાધનોની મદદથી કેબિનને કાપીને ફાયર બ્રિગેડે ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

બીજી તરફ અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. જોકે, અકસ્માતને પગલે ઘણા સમય સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા.


બદમાડીબાગ ફાયર સ્ટેશનના સરસૈનિક જયેશ ચૂનારાએ જણાવ્યું હતું કે,અમને કંટ્રોલમાંથી કોલ આવ્યો કે, પોર નજીક દર્શન હોટલ પાસે એક્સિડન્ટ થયો છે અને ડ્રાઇવર ફસાઈ ગયો છે. એટલે તાત્કાલિક અમે બદામડી બાગ ફાયર સ્ટેશનથી અમે નીકળી ગયા હતા અને ડ્રાઇવરને ટ્રકમાંથી સહી સલામત બહાર કાઢી લીધો છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રેસ્ક્યૂમાં હાઇડ્રોલિક પાવર પેક છે. હાઇડ્રોલિક રેમ જેક, હાઇડ્રોલિક કટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ટ્રકની બોડી કાપીને ડ્રાઇવરને વ્યવસ્થિત કાઢી લીધા છે. ડ્રાઇવર બચી ગયા છે, એમને પગમા ઇજા થઈ છે એટલે હોસ્પિટલમાં મોકલી દીધા છે.


