- કાર વરસાદી ગટરમાં ખાબકીને ઊંધી થઇ જતાં લોકોએ નાની સીડી લઇને અંદર ઊતરી ઇજાગ્રસ્ત કારચાલકને બહાર કાઢ્યા હતા
શહેરમાં અકસ્માતના ગંભીર બનાવોનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. ગઇ મધરાત્રે લક્ષ્મીપુરા રોડ પર એક કાર વરસાદી ગટરમાં ખાબકીને ઊંધી થઇ જતાં ઇજાગ્રસ્ત કાર ચાલકને લોકોએ બહાર કાઢ્યો હતો.

ગઇ મધરાતે બાદ એક કારચાલક નારાયણગાર્ડન રોડ પરથી પસાર થતા હતા ત્યારે ઝોકું આવી જતાં તેમણે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર વરસાદી ગટરમાં ઉતરીને ઊંધી થઇ જતાં ચાલક ફસાયા હતા. બનાવને પગલે લોકો અને પોલીસ આવી ગયા હતા. નજીકના એક ફરાસખાનાવાળા પાસેથી નાની સીડી લઇને લોકો અંદર ઉતર્યા હતા અને ઇજાગ્રસ્તને બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હતા. ઇજા પામનારનું નામ જયેશભાઇ હોવાનું અને કેટરિંગનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ક્રેનની મદદથી કાર કાઢવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં સમાના ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે ફુલ સ્પીડે ધસી આવેલી કાર ડિવાઇડર તોડીને એક ખાડામાં લટકી ગઇ હોવાનો બનાવ બન્યો હતો. જ્યારે તરસાલીમાં વીજ કંપનીની કાર એક કમ્પાઉન્ડ વોલ તોડીને અંદર ઘૂસી ગઇ હોવાનો પણ બનાવ બન્યો હતો.


