- બન્ને ડિલવરીનો સમાન લઈને જતા હતાં, છોટા હાથી ટેમ્પો પલટી મારીને ડિવાઈડર કૂદી અન્ય માર્ગ પર જતો રહ્યો હતો જેમાં કલ્પેશ માળીને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું
- મૃતક કલ્પેશના નવ મહિના પહેલાં જ લગ્ન થયા હતા, પરિવારમાં માત્ર માતા અને નાનો ભાઈ

વડોદરાના દુમાડ ચોકડી નજીક નેશનલ હાઈવે 48 પર આજે 1 ડિસેમ્બરે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક છોટા હાથી ટેમ્પો પલટી મારીને ડિવાઈડર કૂદીને અન્ય માર્ગ પર જતો રહ્યો હતો. જેમાં ટેમ્પોચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. જ્યારે તેની સાથેના એક વ્યકિતને ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયો હતો. મળતી વિગત અનુસાર મૃતકના નવ મહિના અગાઉ લગ્ન થયા હતા.

આ અકસ્માત છાણી પોલીસ સ્ટેશનની હદમાં, દુમાડથી જીએસએફસી બ્રિજ તરફ જતા મેન હાઈવે પર બન્યો હતો. આ બંને યુવકો ડિલિવરી બોય છે અને તેઓ સમાન લઈને જતા હતા તે દરમ્યાન ટેમ્પો છોટા હાથી પલટી માર્યો હતો.

આ અકસ્માતમાં છોટા હાથી ટેમ્પો ચલાવી રહેલા કલ્પેશભાઈ જયંતીભાઈ માળી (ઉંમર 21, રહે. દોડકા, વડોદરા)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જેને કારણે તેમના પરિવારમાં શોક અને ગમગીની છવાઈ ગઈ છે. મૃતકને પરિવારમાં માત્ર માતા છે અને તેને નાનો ભાઈ છે, મૃતકના નવ મહિના અગાઉ લગ્ન થયા હતા.
અકસ્માતમાં મૃતક કલ્પેશની બાજુમાં બેસેલા અન્ય એક યુવક કિરણ મકવાણાને પણ ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક કાર્યવાહી કરીને ઈજાગ્રસ્ત કિરણને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતદેહને પીએમમાં ખસેડીને છાણી પોલીસ સ્ટેશન દ્વારા આ અકસ્માતની ઘટના અંગે ગુનો નોંધવાની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


