કરજણથી LPG ટેન્કરમાં લઈ જવાતો રૂા.1.77 કરોડના વિદેશી દારૂ સાથે ચાલકની ધરપકડ

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે સાંપા ગામની સીમ વિસ્તારમાંથી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું

MailVadodara.com - Driver-arrested-with-foreign-liquor-worth-Rs-1-77-crore-being-transported-in-LPG-tanker-from-Karjan

- ગેસની ટેન્કર નહી ખૂલતા ફાયર બ્રિગેડની મદદથી પતરુ કાપ્યું, હરિયાણાથી ગુજરાતમાં લવાતો ૧.૭૭ કરોડનો દારૂનો, ટેન્કર, રોકડ સહિત ૧.૮૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો


વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB) દ્વારા ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગતરોજ કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાંથી પસાર થતાં મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી દારૂનો જથ્થો ભરેલું એલપીજી ટેન્કર જિલ્લા  પોલીસે કબજે કરી કુલ રૂા.૧.૮૮ કરોડના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી હતી.  


દારૂનો જથ્થો ભરેલું એક ટેન્કર ભરૂચથી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા થઈ અમદાવાદ તરફ જનાર છે એવી બાતમી એલસીબીને મળતા ગઇ રાત્રે કરજણ તાલુકાના સાંપા ગામની સીમમા એક્સપ્રેસ હાઇવે પર વોચ ગોઠવી બાતમી મુજબનું એલપી ગેસનું ટેન્કર આવતા રોકી ચાલકનું નામ પૂછતાં ફગલુરામ ઉમારામ જાટ (રહે.કકરાલા, તા.સેડવા, જિલ્લો બાડમેર, રાજસ્થાન) જણાવ્યું હતું. ટેન્કરનું ઢાંકણું નહી ખૂલતા તેમજ અંદર કેમિકલ ભરેલ હોય એવી શંકા હોવાથી કોઈ દુર્ઘટના ના બને એ માટે કરજણ ફાયર વિભાગની ટીમની હાજરીમાં ગેસ કટર દ્વારા ટેન્કરની બોડીનું પતરું કાપવામાં આવ્યું હતું. ટેન્કરમાં મોટા જથ્થામાં દારૂની પેટીઓ જણાઇ હતી તેમજ ટેન્કરમાં કુલ ત્રણ ખાના બનાવ્યા હતા જેમાં એક ખાનામાં ગેસ અને ઓક્સિજનનો બોટલ તેમજ અન્ય બે ખાનામાં દારૂનો જથ્થો હતો. 


રૂા.૧.૭૭ કરોડનો દારૂનો જથ્થો, ટેન્કર, રોકડ સહિત કુલ રૂા.૧.૮૮ કરોડનો મુદ્દામાલ કબજે કરી ચાલકની વધુ પૂછપરછ કરતા રૂગારામ જાટ (રહે.સારલા, તા.સેડવા, રાજસ્થાન)એ દારૂની ગાડીઓ ગુજરાતમાં મોકલનાર અનિલ જગદીશ પ્રસાદ (રહે.ફતેપુર, જિ.સીકર, રાજસ્થાન)ના મુનીમ મનીષ ભાઈજીનો સંપર્ક કરાવ્યો હતો. બાદમાં એક શખ્સે સાત દિવસ પહેલાં હરિયાણા તથા રાજસ્થાનની લોહારૂ બોર્ડર હાઈવે પરથી ટેન્કર લઈને ગુજરાત જવા જણાવ્યું હતું.

Share :

Leave a Comments