- ચેતવણી બોર્ડ ન લગાવનારા 15 ઈસમો સામે તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરાઈ
વડોદરા શહેરના માંજલપુર અને ગોરવા વિસ્તારમાં આવેલા કેફે અને રેસ્ટોરન્ટમાં યુવાનો દ્વારા થતા તમાકુ અને સિગારેટના સેવનને રોકવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને એસ.ઓ.જી. પોલીસની સંયુક્ત ટીમ દ્વારા વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ડ્રાઇવ દરમિયાન માંજલપુરના તુલસીધામ, ઇવામોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પાટીદાર ચાર રસ્તા તથા ગોરવાના એલેમ્બિક સી.ટી. વિસ્તારમાં આવેલા કેફે અને રેસ્ટોરન્ટમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં તમાકુ ઉત્પાદનોનું સેવન કરતા યુવાનો અને નિયમ મુજબ ચેતવણી બોર્ડ ન લગાવનારા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કુલ 15 ઇસમો સામે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 4 અને 6(અ) હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત મિશન ક્લીન અને ઓપરેશન કેક ડાઉન જેવા અભિયાનો દ્વારા તથા શાળાઓ અને કોલેજોમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમોનું આયોજન કરીને વડોદરા શહેરને નશામુક્ત બનાવવા અને નાગરિકોમાં જાગૃતિ લાવવા પોલીસ કમિશ્નર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ નશામુક્ત વડોદરા અભિયાન અંતર્ગત, શહેરના કેફે અને રેસ્ટોરન્ટમાં તમાકુ ઉત્પાદનોનું સેવન અટકાવવા તથા ધૂમ્રપાન નિષેધના ચેતવણી બોર્ડ ન લગાવનારા સંચાલકો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ માટે એસ.ઓ.જી. પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


