- કલેક્ટર અનીલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ, તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી પૂર્ણ કરવાની સૂચના, 24મીએ સવારે 9 કલાકે ફાઈનલ રીહર્સલ યોજાશે
વડોદરા જિલ્લામાં આગામી ૨૬મી જાન્યુઆરી ૨૦૨૬ના પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી વાધોડિયા તાલુકાના ટીંબી ખાતે આવેલા તાલુકા સેવાસદન ગ્રાઉન્ડમાં યોજાશે. આ રાષ્ટ્રીય મહોત્સવને અત્યંત ગરિમામય અને ભવ્ય રીતે ઉજવવા માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. કાર્યક્રમની પૂર્વતૈયારીઓના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ વિભાગોને સોંપાયેલી કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે તમામ સમિતિઓને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમ પાર પાડવા અને સમયમર્યાદામાં તૈયારીઓ પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં કોઈ ખામી ન રહી જાય તે માટે દરેક વિભાગ વચ્ચે સુચારુ સંકલન હોવું અનિવાર્ય હોવાનું તેમણે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ કાર્યક્રમ દરમિયાન વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર નાગરિકોના સન્માન સમારોહ અંગે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સન્માનપત્ર વિતરણની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય અને વ્યવસ્થાપનમાં કોઈ ક્ષતિ ન રહી જાય તે માટે તેમણે અધિકારીઓને અત્યારથી જ આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરી હતી. લોકોની સુવિધા અને બેઠક વ્યવસ્થામાં ચોકસાઈ રાખવા માટે પણ વિવિધ વિભાગોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.

પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલે સુરક્ષા વ્યવસ્થા અને પરેડના આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આકર્ષક પોલીસ પરેડની સાથે સાથે દેશભક્તિના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવશે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે. 26 જાન્યુઆરીના મુખ્ય કાર્યક્રમ પૂર્વે આગામી 24 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 9 કલાકે ટીંબી ખાતે ફાઈનલ રીહર્સલ યોજાશે. સમગ્ર વહીવટી તંત્ર હાલ આ ઉજવણીને યાદગાર બનાવવા માટે કાર્યરત છે.


