નીતિન દોંગા અને યુવાન વચ્ચે પોસ્ટર મુદ્દે વિવાદ, વાયરલ ઓડિયોમાં ધમકી જેવી વાતો સામે આવી

વડોદરાના વોર્ડ 10માં પોસ્ટર લગાવવાના કારણે થયેલી બોલાચાલીનો ઓડિયો વાયરલ

MailVadodara.com - Dispute-between-Nitin-Donga-and-Yuvan-over-poster-issue-threats-like-words-surfaced-in-viral-audio

- વાઇરલ ઓડિયામાં વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગાએ યુવકને કહ્યું, ક્યાં મળવું છે બોલ, આજે ક્યાં તું નહીં... ક્યાં હું નહીં. તારો બે કલાકમાં હિસાબ કરી નાખીશ, મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે, હું જીતી ગયો તો 28 તારીખ પછી તું બહુ દુઃખી થઈશ.

- નીતિન દોંગાનો ખુલાસો - નારી શક્તિના અપમાન મુદ્દે યુવાનને સમજાવ્યું

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો જંગ જામ્યો છે. શહેર પોસ્ટર વોર, સોશિયલ મીડિયા વોર હવે ખુલીને જોવા મળી રહી છે. બે દિવસ પહેલા શહેરના વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. જે બાદ નીતિન દોંગા અને ક્રાંતિકારી સેનાના યુવાન કે જેને આ પોસ્ટર લગાવ્યા હોવાનું કહેવાય છે તેઓ વચ્ચેનો વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે. જેમાં નીતિન દોંગા યુવકને એવું કહેતા સાંભળવા મળે છે કે, તું મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે. જો તું મને નહીં હરાવી શક્યો તો તું બહુ દુઃખી થઈશ.

ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ કેટલાક વિસ્તારોમાં ઉમેદવારો સામે વિરોધ જોવા મળ્યો હતો. વોર્ડ 10માં અગાઉ મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાલા વિરૂદ્ધ બેનર લાગ્યા હતા તે બાદ એ જ વોર્ડના રીપીટ ઉમેદવાર નીતિન દોંગા વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા હતા. આ પોસ્ટર ક્રાંતિકારી સેના દ્વારા લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. નીતિન દોંગા વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા બાદ તેઓએ કથિત રીતે પોસ્ટર લગાવનાર શ્રેયસ પટેલ નામના યુવકને ફોન કર્યો હતો અને તેનો ઓડિયો વાઇરલ થયો છે.

નીતિન દોંગા અને યુવક વચ્ચે વાતચીતના ઓડિયોમાં નીતિન દોંગા પૂછી રહ્યા છે કે, તે મારી વિરૂદ્ધમાં પોસ્ટર કેમ લગાવ્યા? જેના જવાબમાં યુવક કહી રહ્યો છે કે, લોકો અમને પૂછે છે. શું કામ થયા તેમ પૂછે છે. અમારે શું જવાન આપવાનો. મેં પોસ્ટર લગાવ્યા છે તો તમે હિસાબ આપી દો ને. જેના જવાબમાં નીતિન દોંગા કહે છે કે, હું હિસાબ આપીશ અને તારો હું પર્સનલ હિસાબ કરીશ.

યુવાન નીતિન દોંગાને કહે છે કે, પોસ્ટર લગાવ્યા તો તમને જ ફાયદો થશે. લોકો તમને ઓળખશે તો ખરા અને તેના કારણે તમે જ જીતશો. વધુમાં યુવક એમ પણ કહે છે કે, અવનીબેન વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા ત્યારે તમે મીડિયામાં એમ કહ્યું કે, આ કોંગ્રેસ પ્રેરિત છે. હું કઈ કોંગ્રેસનો માણસ છું? તમે ખોટું કેમ કહ્યું. હું આ અભિયાન ચાલુ જ રાખીશ. જેના જવાબમાં નીતિન દોંગા કહે છે કે, હું મીડિયાના બાપથી પણ નથી ડરતો તો તું કઈ વાડીનો છે. હું તને ચેલેન્જ કરું છું કે તું મને હરાવી દે.

ફોન ઉપર નીતિન દોંગા શરૂઆતમાં ખૂબ પ્રેમથી વાત કરીને દીકરા કહી યુવાનને સંબોધે છે, પરંતુ બાદમાં યુવાન જીદે ચઢતા નીતિન દોંગા અકળાઈ જાય છે અને કહે છે કે ક્યાં મળવું છે બોલ, આજે ક્યાં તું નહીં... ક્યાં હું નહીં. તારો બે કલાકમાં હિસાબ કરી નાખીશ, મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે, હું જીતી ગયો તો 28 તારીખ પછી તું બહુ દુઃખી થઈશ.

સમગ્ર વાતચીત અંગે નીતિન દોંગાને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, આજે ક્યાં અવનીબેન વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. એ યુવાનને બહુ પ્રેમથી અમે અમારી સાથે એક ટેબલ પર બેસાડીને જમાડ્યો પણ છે. તેમ છતાં નારી શક્તિનું અપમાન કરે તે કેવી રીતે ચલાવી લેવાય? મેં એ યુવાનને એમ કહ્યું કે, આ સ્ત્રી તારા માતાની ઉંમરના છે તો એમને શું કામ બદનામ કરવાના. તેઓએ એમ પણ કહ્યું કે બે દિવસ અગાઉ ચેરમેનના નામની ચર્ચા થઈ ત્યારે તે બાદ પણ આ રાજકારણ રમાઈ રહ્યું હોય શકે.

Share :

Leave a Comments