રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી

તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધી ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે ઓનલાઈન નોંધણી કરી શકાશે

MailVadodara.com - Direct-purchase-of-wheat-from-farmers-at-minimum-support-price-by-the-state-government-under-Rabi-marketing-season-2026-27

- ઘઉંની ખરીદી ૪ માર્ચથી ૧૫ મે ૨૦૨૬ સુધી રહેશે; જરૂરી દસ્તાવેજો સાથે નોંધણી કરાવવા ગ્રામ પંચાયતનો સંપર્ક કરવા માટે અનુરોધ

ઘઉંના ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા લી. મારફતે કરવામાં આવનાર છે. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો ટેકાનો ભાવ રૂ. ૨૫૮૫/ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતાં ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજયમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર દ્વારા તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવનાર છે. તેમજ ઘઉંની ખરીદી તા. ૦૪/૦૩/૨૦૨૬ થી તા. ૧૫/૦૫/૨૦૨૬ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને અપીલ કરવામાં આવી છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવામાં આવશે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮-અ ની નકલ, તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮-અ માં ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજયના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજિયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. 

ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને એસ.એમ.એસ. મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ/ઓળખ પત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયો મેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર- ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા માટે જણાવાયું છે.

Share :

Leave a Comments