સમા-હરણી લિંક રોડ પર આવેલા ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રીમાં અજાણી વ્યક્તિની ડિકમ્પોઝ લાશ મળી

સમા પોલીસે લાશનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી

MailVadodara.com - Decomposed-body-of-an-unknown-person-found-in-Vishwamitri-near-Chetak-Bridge-on-Sama-Harani-Link-Road

- ડિકમ્પોઝ થયેલ લાશની આસપાસ ત્રણથી ચાર મોટા મગર ફરતા હોવાથી ફાયર બ્રિગેડે વાંસ અને લાકડાની મદદથી મગરોને ભગાવ્યા અને લાશને ચાદરમાં લપેટી બહાર કાઢી હતી

વડોદરા શહેરના સમા-હરણી લિંક રોડ પર આવેલા ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી અજાણી વ્યક્તિની ડિકમ્પોઝ થયેલ લાશ મળી આવી છે. આ ઘટનાની જાણ એક નાગરિક દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી, જે બાદ ફાયર વિભાગે સમા પોલીસને જાણ કરી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.


ટી.પી. 13 ફાયર સ્ટેશનની ટીમે ભારે જેહમત બાદ લાશને નદીમાંથી બહાર કાઢી હતી. ફાયર વિભાગના સર સૈનિક ગુલામહુસેન રાઠોડે જણાવ્યું કે, અમને આ અંગે કોલ મળતાં અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ડિકમ્પોઝ થયેલ લાશની આસપાસ ત્રણથી ચાર મોટા મગર ફરતા હતા. અમે વાંસ અને લાકડાની મદદથી મગરોને ભગાવ્યા અને લાશને ચાદરમાં લપેટી બહાર કાઢી હતી. લાશની સ્થિતિ અત્યંત ખરાબ હતી હાથ અને પગ અડધા થયેલા હતા. સમા પોલીસે લાશનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી છે. લાશ ડિકમ્પોઝ થયેલી હોવાથી તે પુરુષની છે કે મહિલાની, તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. સમા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના ચેતક બ્રિજ પાસે બની, જ્યાં વિશ્વામિત્રી નદીમાં લાશ તણાતી જોવા મળી હતી. લાશની ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા માટે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં આ અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. સમા પોલીસ અને ફાયર વિભાગની ઝડપી કામગીરીને કારણે લાશને નદીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. આગળની તપાસમાં લાશની ઓળખ અને મૃત્યુના કારણો અંગે વધુ વિગતો સામે આવે એવી શક્યતા છે.

Share :

Leave a Comments