- રાજદીપ સોસાયટીમાં રહેતા દેવડા પરિવારે એક સાથે ઝેરી દવા પી જીવન ટૂંકાવવા માટે પ્રયાસ કર્યો હતો, આ બનાવમાં 26 જુલાઇએ જુવાનજોધ દીકરાનું મોત નીપજ્યું હતું
વડોદરાની ગોરવા વિસ્તારમાં આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા દેવડા પરિવારે 21મી જુલાઈના રોજ બપોરે 4 વાગ્યે એક સાથે ઝેરી દવા પી જીવ ટૂંકાવવા માટે પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમને ઉલટી થવા માંડી હોવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પેટ્રોલ પંપમાં દેવું વધી જવાથી મરવા માટે પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં 26 જુલાઈએ જુવાનજોધ દીકરાનું મોત નીપજ્યું હતું. એક માસ ઉપરાંતની સારવાર બાદ હવે દીકરીએ પણ જીવ ગુમાવ્યો છે.
સયાજી હોસ્પિટલના ચોપડે નોંધાયેલી વિગતો મુજબ ગોરવા જલાનંદ ટાઉનશીપ નજીક આવેલી રાજદીપ સોસાયટીમાં 52 વર્ષના સુભાષ સલુભાઈ દેવડા પેટ્રોલ પંપ ધરાવે છે. તેમને મોટું દેવું થઈ જવાને કારણે પોતે 49 વર્ષના પત્ની સુરેખાબેન, 23 વર્ષનો દીકરો હેત, 17 વર્ષની દીકરી હિવા અને પાંચ વર્ષનો દીકરો પાનવ મળી તમામે 21મી જુલાઈના રોજ બપોરે 4 વાગ્યે ઝેરી દવા ગટગટાવી હતી. તેને કારણે તમામને ઉલટી થવા માંડી હતી. તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડયા હતા. ત્યારબાદ વારસિયાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં છ દિવસની સારવાર બાદ પુત્ર હેતનું મોત નીપજ્યું હતું. લગભગ સવા માસની સારવાર બાદ 17 વર્ષની દીકરી હીવાબેન સુભાષભાઈનું પણ મોત નિપજ્યું છે. આ યુવતીના પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.


