ડાંગર, સોયાબીન, મગફળી અને કપાસ સહિતના પાકોને નુકસાનઃ વળતર વહેલી તકે મળે તેવી ખેડૂતોની માંગણી

વડોદરામાં માવઠાથી થયેલા ખેડૂતોના પાક નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઇ

MailVadodara.com - Damage-to-crops-including-paddy-soybean-groundnut-and-cotton-Farmers-demand-early-compensation

- વડોદરામાં ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન, વાઘોડિયા તાલુકા બાદ સાવલી તાલુકાના મુવાલ અને કમલપુરા ગામે મોટાપાયે નુકસાન થયું

- ખેતીવાડી ખાતાની 107 ટીમોએ 668 ગામના અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો તાગ મેળવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ખેતીવાડી ખાતાની 107 જેટલી સર્વે ટીમ દ્વારા જિલ્લાના 668 ગામોમાં સ્થળ મુલાકાત થકી ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે.


વડોદરા જિલ્લાના આઠેય તાલુકામાં કુલ એક લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં આ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે 98 હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં 33 ટકા કે તેનાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારનો સમાવેશ થાય છે. સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ વાવેતર વિસ્તારમાં ડાંગર, સોયાબીન, મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન થયું હોવાનું ખેતીવાડી ખાતાએ તારણ કાઢ્યું છે.


વડોદરા જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી ખાતા દ્વારા ખૂબ જ ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવતા જિલ્લાના ખેડૂતોએ સંતોષ વ્યક્ત કરી સરકારનો આભાર પ્રકટ કર્યો છે. વાઘોડિયા તાલુકા બાદ સાવલી તાલુકાના મુવાલ અને કમલપુરા ગામે મોટાપાયે નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.


સાવલી તાલુકાના મુવાલ ગામના ખેડૂતોએ સર્વેની કામગીરી માટે તાત્કાલિક આવેલી ખેતીવાડી ખાતાની ટીમ સમક્ષ રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનાની સરાહના કરી હતી. કમલપુરા ગામના સરપંચ અને ખેડૂત જીગર પંડ્યાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કરવામાં આવેલી સર્વેની કામગીરી ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ખેડૂતોએ ટૂંક સમયમાં સરકાર દ્વારા પાક સહાય જાહેર કરવામાં આવશે, તે બાબતને આનંદની વાત ગણાવી હતી.


ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં ખેતીવાડી ખાતાની 107 જેટલી સર્વે ટીમ દ્વારા જિલ્લાના 668 ગામોની મુલાકાત દરમિયાન ખેડૂતોને પાકમાં મોટાપાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદના પગલે થયેલા નુકસાનનો અંદાજ મેળવી તેનો પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરી દેવામાં આવ્યો છે.

Share :

Leave a Comments