- ટેલીગ્રામ પર યુવકનો સંપર્ક કરીને સાયબર ઠગે 2.18 લાખની ઓનલાઇન છેતરપિંડી કરી
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 25 વર્ષીય યુવક બિટકોઇનમાં રોકાણ કરવાની લાલચમાં ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યો છે. અજાણ્યા ઠગે ટેલીગ્રામ એપ પરથી યુવકનો સંપર્ક સાધી નફાનું આશ્વાસન આપી કુલ રૂ. 2,18,500ની ઠગાઈ કરી છે. આ અંગે પીડિત યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ગત તા. 6 જૂન 2025ના રોજ સવારે આશરે 10.30 વાગ્યે યુવક ઘરે હાજર હતો. તેના મોબાઇલ ફોન પર ટેલીગ્રામ એપમાં 'Manish Rajput Mentor' નામના એકાઉન્ટ તરફથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે, "હેલો, આઈ એમ ટીચર મનીષ રાજપુત. વેલકમ ટુ ધ કોઇનબેઝ એક્સચેન્જ પ્લેટફોર્મ. આર યુ હિયર ટુ કમ્પ્લીટ ધ ક્લિક ડેટા ટાસ્ક?"
યુવકને બિટકોઇનમાં રોકાણ કરવામાં રસ હોવાથી તેણે તે વ્યક્તિ સાથે ટેલીગ્રામ પર વાતચીત શરૂ કરી હતી. ઠગે યુવકને બિટકોઇનમાં રોકાણ કરવા માટે પૈસા મોકલવા જણાવ્યું હતું અને 'Ashok.232@superves' નામની યુપીઆઈ આઈડી આપી હતી. વિશ્વાસમાં લઈને યુવકે ગુગલ પે દ્વારા કુલ રૂ. 2,18,500ની રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી.
ઠગે યુવકને નફા સાથે પૈસા પરત કરવાનું વચન આપ્યું હતું, પરંતુ કોઈ રકમ પરત કરી ન હતી, ત્યારબાદ યુવકે સંપર્ક કરવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ ઠગે જવાબ આપ્યો નહોતો જેથી યુવકને ખ્યાલ આવ્યો કે તેની સાથે ઓનલાઇન છેતરપિંડી કરવામાં આવી છે. માંજલપુર પોલીસે યુવકની ફરિયાદના આધારે અશોક સુપરયસ નામની આઈડીના ધારક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


