વડોદરાની વિદ્યાર્થિનીને માર્ક્સ વધારવાની લાલચ આપી શરીરસુખની માંગણી કરનાર ભેજાબાજ ઝડપાયો

ખાનગી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો અજાણ્યા નંબર પરથી આરોપીએ સંપર્ક કર્યો હતો!

MailVadodara.com - Cunning-man-arrested-for-demanding-sexual-favors-from-a-Vadodara-female-student-by-promising-to-increase-her-marks

- વિદ્યાર્થિનીને પરીક્ષામાં માર્ક્સ અને CGPA વધારી આપવાની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવાની માંગણીનો આક્ષેપ, પરીક્ષા પૂર્ણ થયા બાદ પરિજનો સાથે ચર્ચા કરી ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરની જાણીતી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીને પરીક્ષામાં માર્ક્સ અને CGPA વધારી આપવાની લાલચ આપી જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આરોપીએ પોતે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના એડમિન બ્લોકમાં ફરજ બજાવતો હોવાની ખોટી ઓળખ આપી વિદ્યાર્થિનીનો સંપર્ક સાધ્યો હતો અને તેની પાસે શારીરિક સંબંધ બાંધવાની બિભત્સ માંગણી કરી હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના સમયમાં આરોપીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મુંબઈની વતની અને હાલ વડોદરા સ્થિત હોસ્ટેલમાં રહીને ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીનો એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવતીનો મોબાઈલ નંબર મેળવી તેના વિશે અંગત માહિતી એકત્ર કરનાર શખ્સે પોતે યુનિવર્સિટીના એક્ઝામ વિભાગના એડમિન બ્લોકમાં નોકરી કરતો હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે વિદ્યાર્થિનીને વિશ્વાસમાં લઈ આગામી ચોથા સેમેસ્ટરમાં તેનો સીજીપીએ (CGPA) 8થી 9 સુધી વધારી આપવાની લાલચ આપી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપી રાકેશ સતિષભાઈ ચૌહાણે CGPA વધારવાના બદલામાં યુવતી સમક્ષ શારીરિક સંબંધ બાંધવાની માંગણી મૂકી હતી. આરોપીએ યુવતીને કોઈ એકાંત સ્થળે લઈ જઈ નશીલો પદાર્થ પીવડાવીને તેની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ ચોંકાવનારી ઘટના બન્યા બાદ યુવતી તાત્કાલિક પોલીસ મથકે પહોંચી શકી નહોતી, કારણ કે નજીકના દિવસોમાં તેની સેમેસ્ટર પરીક્ષાઓ હોવાથી તે તૈયારીઓમાં વ્યસ્ત હતી. ઉપરાંત, સમગ્ર મામલે માતા સાથે રૂબરૂ વાતચીત કરવી જરૂરી હતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ યુવતીએ પોતાની માતા અને વિશ્વાસુ મિત્રો સાથે વિગતવાર ચર્ચા કરી હતી. પરિવારે હિંમત આપતાં યુવતીએ પોલીસ મથકે પહોંચી આપવીતી વર્ણવી હતી, જેના આધારે પોલીસે આરોપી રાકેશ ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે.

Share :

Leave a Comments