કોયલીમાંથી પકડાયેલા રૂપિયા 38 લાખના દારૂ કેસમાં 3 મહિનાથી ફરાર વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો

2026માં પોલીસે કોયલી ગામે રેડ કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો

MailVadodara.com - Crime-Branch-nabs-wanted-accused-in-Koyali-liquor-case-absconding-for-3-months

- આરોપી રાજ પટણી અગાઉ રાયોટિંગનો ગુનો અને બનાસકાંઠામાં દારૂ સાથે પકડાયો હતો

વડોદરા શહેર ક્રાઇમ બ્રાંચે અંદાજે રૂપિયા 38 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ મહિનાથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને ડિલક્સ સોસાયટી પાસેથી ઝડપી પાડ્યો છે.


ક્રાઇમ બ્રાંચે ઝડપેલા આરોપી રાજ ધર્મેન્દ્રભાઈ પટણી (રહે. વાડી રંગમહાલ લક્ષ્મી ફલેટ, વડોદરા) છેલ્લા કેટલાય સમયથી ફરાર હતો. આ આરોપી સામે ફેબ્રુઆરી 2026માં જવાહરનગર પોલીસ સ્ટેશનની હદમાં કોયલી ગામ ખાતેથી પોલીસે રેડ કરી વિદેશી દારૂની 1949 બોટલો (કિંમત રૂ. 38,21,350) ઝડપી પાડી હતી. આ ગુનામાં આરોપી રાજ પટણી વોન્ટેડ હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે સર્વોદય સોસાયટી પાસેના એક મકાન પાસેથી તેને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલો આરોપી રાજ પટણી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. આરોપી અગાઉ વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુનામાં અને બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફોર-વ્હીલર ગાડીમાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડાયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને જવાહરનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

Share :

Leave a Comments