- આરોપી પાસેથી રેક્ટીફાયર કેસેટ (2 નંગ) રૂ. 60,000, રેક્ટીફાયરના મોડ્યુલ (18 નંગ) 1.80 લાખ, ઓલા ઇલેક્ટ્રિક મોપેડ અને હથોડી મળી 2.90 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં મોબાઇલ ટાવરોમાંથી કિંમતી રેક્ટીફાયર કેસેટોની ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગુનાઓમાં સંડોવાયેલ મોબાઈલ ટાવર કંપનીના પૂર્વ કર્મચારી પ્રકાશ પ્રેમસિંગ રાજપુત (ઉં.વ.32) (રહે. સૂર્યદર્શન ટાઉનશીપ, માંજલપુર)ની ધરપકડ કરી છે અને 5 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

વડોદરા શહેરના અટલાદરા, તરસાલી, મકરપુરા, આજવા રોડ અને સનફાર્મા રોડ જેવા વિસ્તારોમાં મોબાઇલ ટાવરોની દીવાલો અને જાળીઓ તોડી રેકટીફાયર કેસેટોની ચોરીના ગુનાઓ નોંધાયા હતા. જેને પગલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. માંજલપુરના સૂર્યદર્શન ટાઉનશીપ નજીક બ્રિજ પાસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ઇસમ પ્રકાશ રાજપુત મોપેડ સાથે બે રેક્ટીફાયર કેસેટો લઈ જતો ઝડપાયો હતો. પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી જણાવ્યું હતું કે, તે અગાઉ મોબાઇલ ટાવર કંપનીમાં કામ કરતો હતો, જેના કારણે તેને ટાવરોની રચના અને રેક્ટીફાયર કેસેટોની માહિતી હતી.
આરોપીએ 6-7 મહિના અગાઉ મોબાઇલ ટાવર કંપનીની નોકરી છોડી દીધી હતી અને ઝડપી નાણાં કમાવવા માટે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. તે મોપેડનો ઉપયોગ કરી ટાવરોમાંથી 15 કિલો વજનની રેકટીફાયર કેસેટો ચોરતો અને તેને એલ્યુમિનિયમ અને લોખંડના ભાગોમાં અલગ કરી ઝાડીઓમાં સંતાડતો હતો. આ કેસેટો વેચીને તે 1000થી 2000 રૂપિયા મેળવતો હતો. પોલીસે આરોપી પાસેથી રેક્ટીફાયર કેસેટ (2 નંગ) રૂ. 60,000, રેક્ટીફાયરના મોડ્યુલ (18 નંગ) રૂ. 1,80,000, ઓલા ઇલેક્ટ્રિક મોપેડ રૂ. 50,000 અને હથોડીરૂ. 100 મળી કુલ કિંમત- રૂ. 2,90,100 મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રકાશ રાજપુતે ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે અને મોબાઇલ ટાવર કંપનીમાં વડોદરા અને અમદાવાદ ખાતે કુલ 6 વર્ષ કામ કર્યું હતું. આ અનુભવના આધારે તેણે ચોરીનું આયોજન કર્યું હતું. હાલ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે, અને ગુનાઓની વધુ તપાસ માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવામાં આવી છે.


