વડોદરા જિલ્લામાં નાગરિકોના જાહેર આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય સુરક્ષાના કાયદાના અસરકારક અમલીકરણ માટે હલકી ગુણવત્તાના ખાદ્યપદાર્થોના વિક્રેતાઓ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં જિલ્લાના જુદા-જુદા તાલુકાઓમાંથી લેવાયેલા ખાદ્યપદાર્થોના નમૂના 'સબસ્ટાન્ડર્ડ' અને 'મિસબ્રાન્ડેડ' જાહેર થતાં, વડોદરાના નિવાસી અધિક કલેકટરશ્રી અને જિલ્લા એડ્જ્યુડીકેટીંગ ઓફિસરની કોર્ટે કુલ ૬ કિસ્સાઓમાં કસૂરવારોને રૂ. ૧.૯૫ લાખનો દંડ ફટકાર્યો છે.
ફુડ સેફ્ટી અધિકારીઓ દ્વારા લેવાયેલા નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાં ગેરરીતિ જણાઈ હતી. સાવલીના મંજુસર જી.આઈ.ડી.સી. સ્થિત મે. ડેઝી પ્રોડક્ટ પ્રા.લી. અને મહારાષ્ટ્રની એએકે કામાણી પ્રા.લી. ના જવાબદારોને 'કામાણી ચોકીતા રિફાઈન્ડ વેજીટેબલ ફેટ'ના સબસ્ટાન્ડર્ડ નમૂના બદલ સૌથી મોટો દંડ રૂ. ૮૫,૦૦૦ ફટકારવામાં આવ્યો છે. કરજણ તાલુકાના બામણગામ સ્થિત પારેખ ઇન્ડસ્ટ્રીઝને 'પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર'ના મિસબ્રાન્ડેડ નમૂના માટે રૂ. ૩૦,૦૦૦/- નો દંડ તેમજ ભરથાણા ગામની લે નંદિની હોટલને તૈયાર શાકના સબસ્ટાન્ડર્ડ નમૂના બદલ રૂ. ૪૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.
સાવલી તાલુકાના પોઈચા ગામ સ્થિત શંકર કોર્પોરેશનના જવાબદારોને 'કેસર મિલ્કશેક' (લૂઝ) ના સબસ્ટાન્ડર્ડ નમૂના માટે રૂ. ૩૦,૦૦૦/- નો દંડ થયો છે. તેમજ વાઘોડિયા તાલુકાના મેઈન બજારમાં મનોજકુમાર સોનકર અને અમોદર સ્થિત રાધે રાધે જ્યુસ સેન્ટરને 'મેંગો મિલ્કશેક'ના સબસ્ટાન્ડર્ડ નમૂના બદલ પ્રત્યેકને રૂ. ૫,૦૦૦/- નો દંડ ફટકારાયો છે.
જાહેર આરોગ્યના હિતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરા દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની સઘન ઝુંબેશ અને કાયદાકીય કાર્યવાહી સતત ચાલુ રહેશે, તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.


