છાણી નજીક GSFC બ્રિજ પાસેથી ફિલ્મી ઢબે પીછો કરી મોપેડ પર ગૌમાંસની હેરાફેરી કરતું દંપતીને ઝડપ્યું

સેમ્પલ સુરત FSL લેબોરેટરી ખાતે પરીક્ષણ માટે મોકલતાં ગૌવંશનું માંસ હોવાનું સામે આવ્યું

MailVadodara.com - Couple-caught-smuggling-beef-on-moped-after-a-film-style-chase-near-GSFC-bridge-near-Chhani

- પાલેજ તરફથી દંપતી મોપેડ પર શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો લઈને 22 મેના રોજ વડોદરા તરફ આવી રહ્યું હોવાની બાતમી આધારે પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકરોએ તેમનો પીછો કર્યો હતો

- પોલીસે 37.650 કિલો ગૌમાંસ અને ટુ-વ્હીલર મોપેડ મળીને 30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો


વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ગૌમાંસની હેરાફેરી કરતા દંપતીને પોલીસ દ્વારા પ્રાણીન ફાઉન્ડેશનની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યું હતું. છાણી પોલીસે મોપેડની તપાસ કરતાં તેમાંથી 37.650 કિલો શંકાસ્પદ માંસ મળી આવ્યું હતું. બાદમાં FSL રિપોર્ટમાં તે ગૌવંશનું માંસ હોવાનું બહાર આવતા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પકડાઈ જતા મહિલાએ મગરના આંસુ સાર્યા હતા અને કહ્યું હતું કે, ફરી આવું ક્યારેય નહીં કરીએ

પાલેજ તરફથી દંપતી મોપેડ પર શંકાસ્પદ ગૌમાસનો જથ્થો લઈને 22 મેના રોજ વડોદરા તરફ આવી રહ્યું છે, જેથી પ્રાણીન ફાઉન્ડેશનના કાર્યકરોએ તેમનો પીછો કર્યો હતો. ફાઉન્ડેશનના પ્રમુખ નેહાબેન પટેલ દ્વારા કંટ્રોલ રૂમમાંથી માહિતી આપવામાં આવી હતી કે, એક વ્યક્તિ મોપેડ પર ગૌમાંસ લઈને જઈ રહ્યો છે. માહિતીના આધારે છાણી પોલીસ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.


પોલીસે GSFC બ્રિજ પાસે શંકાસ્પદ ટુ-વ્હીલરને રોકી તપાસ કરતાં ગાડીની ડીકી તથા આગળના ભાગમાં પ્લાસ્ટિકની થેલીમાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને શખ્સોને ઝડપી છાણી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ ઈસુબ ગુલાબ કુરેશી (રહે. નવાયાર્ડ રસુલજીની ચાલ, ફતેગંજ, વડોદરા)હોવાનું જણાવ્યું હતું. તેની સાથે તેની પત્ની મુમતાઝબેન પણ હાજર હતી.

પોલીસે વેટરનરી ડોક્ટરની હાજરીમાં માંસના સેમ્પલ લઈ સુરત FSL લેબોરેટરી ખાતે પરીક્ષણ માટે મોકલ્યા હતા. FSL રિપોર્ટમાં સેમ્પલ ગૌવંશનું માંસ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે 37.650 કિલો ગૌમાંસ અને ટુ-વ્હીલર મોપેડ મળીને રૂ.30 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે છાણી પોલીસે આરોપી ઈસુબભાઈ કુરેશી તથા તેમની પત્ની મુમતાઝબેન વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2011 તથા સુધારા-2017ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


પ્રાણીન ફાઉન્ડેશનના નેહાબેન પટેલે જણાવ્યું હતું કે, અમારા વોલન્ટીયર્સને ચોક્કસ માહિતી મળી હતી કે, વડોદરામાં ગૌમાંસ લાવવામાં આવી રહ્યું છે. બાતમી મળતા જ અમે વોચ ગોઠવી દીધી હતી અને તરત જ વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને આ અંગે જાણ કરી હતી. છાણી પોલીસ સ્ટેશનની ટીમ ખૂબ જ સક્રિયતા દાખવીને ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગઈ હતી. આરોપી ઇસુબે પોતે કબૂલાત કરી છે કે, આ ગૌમાંસ જ છે. આ માંસ સ્કૂટરની ડીકીમાં તેમજ આગળના ભાગે પણ છુપાવીને રાખવામાં આવ્યું હતું.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તે બહાના બનાવતો હતો કે, આ મારી પહેલી ભૂલ છે, મને માફ કરી દો, હું મારા ઘરના કોઈ પ્રસંગ માટે આ લાવ્યો છું, પરંતુ તે તદ્દન ખોટું બોલી રહ્યો છે. તે આ ગૌમાંસ અહીં નવાયાર્ડ વિસ્તારમાં વેચવા માટે જ લાવ્યો હતો. આ આરોપી એક 'રીઢો ગુનેગાર' છે. તે અગાઉ પણ બે વાર ગૌમાંસની હેરાફેરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે. તેને કાયદાનો કોઈ ડર નથી અને આવી પ્રવૃત્તિઓ વારંવાર કરે છે.

તેઓએ ઉમેર્યું હતું કે, મારી સરકાર અને વડોદરા પોલીસ પ્રશાસનને નમ્ર વિનંતી છે કે આ રીઢા ગુનેગાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આવા ગુનેગારો જેઓ વારંવાર ગૌમાંસની હેરાફેરી કરે છે, તેમના પર ગુજસીટોક જેવી કડક કલમો હેઠળ ગુનો નોંધીને દાખલારૂપ સજા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે.

Share :

Leave a Comments