રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વડોદરા જિલ્લાની ચાર નગરપાલિકાઓ, આઠ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો તેમજ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણીઓનું મતદાન આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ (સવારના ૭.૦૦ થી સાંજના ૬.૦૦ વાગ્યા સુધી) યોજાનાર છે, જ્યારે મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી વડોદરાના શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ એક પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અન્વયે, વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીની હદ વિસ્તારમાં સમાવિષ્ટ ચૂંટણી વિસ્તારોમાં ઉમેદવારી પત્રો ભરવા અંગેના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જે અનુસાર, કોઈપણ ઉમેદવાર પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે સંબંધિત ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં જાય ત્યારે કચેરીની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ત્રણ વાહનથી વધુ વાહનો સાથે જઈ શકશે નહીં. તદુપરાંત, સંબંધિત ચૂંટણી અધિકારીની ચેમ્બરમાં ઉમેદવાર પોતે તથા તેમના વધુમાં વધુ ચાર સમર્થકો મળીને કુલ પાંચ (૫)થી વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં. જ્યારે વિજેતા ઉમેદવાર પોતાનું ચૂંટણી પ્રમાણપત્ર લેવા માટે આવે ત્યારે પણ આ જ સૂચના અને નિયંત્રણો લાગુ પડશે. ઉમેદવારી પત્ર ભરવા તથા પ્રમાણપત્ર લેવા આવતા લોકોની ભીડ અને વાહનો પર નિયંત્રણ મૂકવા આ નિર્ણય લેવાયો છે.
આ પ્રતિબંધાત્મક હુકમ તા.૨૮/૦૪/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.


