સૈનિક કલ્યાણ માટે રૂપિયા ૫૬ લાખનું યોગદાન: માનવતાનું ઉત્તમ ઉદાહરણ

સ્વ. બહેનની અંતિમ ઇચ્છાની પૂર્ણતા તરીકે સશસ્ત્ર દળો ભંડોળમાં રૂ. ૫૬ લાખનું દાન

MailVadodara.com - Contribution-of-Rs-56-lakh-for-soldier-welfare-A-great-example-of-humanity

માનવતાપૂર્ણ અને પ્રશંસનીય કાર્ય તરીકે સતેજ કમલાકર બુધવારકરે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ભંડોળ (Armed Forces Flag Day Fund AFFDF) માટે રૂ. ૫૬ લાખનું ઉદાર યોગદાન આપ્યું છે. આ નોંધપાત્ર યોગદાન બદલ ગુજરાત રાજ્યના સૈનિક કલ્યાણ અને પુનર્વસન નિયામક દ્વારા આપવામાં આવેલ ટ્રોફી શ્રી સતેજ કમલાકર બુધવારકરને તેમના કાર્યાલય ખાતે ઔપચારિક રીતે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસન અધિકારી લેફ્ટનન્ટ કર્નલ (ડૉ.) કમલપ્રીત સાગ્ગી ઉપસ્થિત રહ્યા હતા.

આ યોગદાન વિશેષ ભાવનાત્મક મહત્વ ધરાવે છે, કારણ કે તે સતેજ કમલાકર બુધવારકરની બહેન સ્વ. શોભના મધુકર બુધવારકરની અંતિમ ઇચ્છાની પૂર્ણતા છે. તેમના અવસાન પૂર્વે તેમણે સૈનિક સમુદાયના કલ્યાણ માટે પોતાની સમગ્ર જીવનભરની બચત રૂ. ૫૬ લાખનું દાન કરવાની હૃદયપૂર્વક ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની આ અંતિમ ઇચ્છાને માન આપીને, પરિવારે દેશની સેવા અને સુરક્ષા માટે સમર્પિત સૈનિકો તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે આ યોગદાન આપીને તેમની સ્મૃતિને સદાય જીવંત રાખી છે.

સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ભંડોળ દ્વારા ભૂતપૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોના કલ્યાણ અને પુનર્વસન માટે વિવિધ યોજનાઓ મારફતે સહાય પૂરી પાડવામાં આવે છે. ઉદારતા અને નિઃસ્વાર્થ સેવાનું આ અનોખું ઉદાહરણ સશસ્ત્ર દળો પ્રત્યેની ઊંડી કૃતજ્ઞતા અને આદરને પ્રતિબિંબિત કરે છે તથા સમાજ માટે પ્રેરણાદાયી સંદેશરૂપ સાબિત થાય છે.

Share :

Leave a Comments