ભાયલીમાં રૂા.13.59 કરોડના ખર્ચે તૈયાર 130 આવાસનું નિર્માણ પૂર્ણ : ટૂંક સમયમાં લોકાર્પણ

લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ, ફાળવણી ડ્રો દ્વારા કરાશે

MailVadodara.com - Construction-of-130-houses-in-Bhayli-completed-at-a-cost-of-Rs-13-59-crore-Inauguration-soon

- વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 3 લાખ સુધીના શહેરીજનો આ યોજનાનો લાભ લઈ શકશે

- અરજી સાથે રૂ. 3 લાખ સુધીની આવકનો દાખલો અથવા 3 વર્ષનું આઈટીઆર, કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, લાઈટબિલ જેવા દસ્તાવેજો જરૂરી રહેશે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત ભાયલી વિસ્તારમાં 130 આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે. આ આવાસોનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે અને લાભાર્થીઓને સોંપવામાં આવશે.

વડોદરા મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા રૂ. 13.59 કરોડના ખર્ચે ટી.પી. 1, એફ.પી. 996 અને એફ.પી. 116 ખાતે EWS-2 પ્રકારના આ 130 આવાસો બનાવવામાં આવ્યા છે. દરેક આવાસ 40 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવે છે, જેમાં બે રૂમ, રસોડું, સંડાસ અને બાથરૂમનો સમાવેશ થાય છે.

આવાસોમાં આધુનિક સુવિધાઓ જેવી કે, ફાયર સેફ્ટી, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, સોલાર સિસ્ટમ, લિફ્ટ અને ડી.જી. સેટ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. બાળકો માટે ગાર્ડન તથા રમતગમતના સાધનો પણ લગાવવામાં આવ્યા છે. લાભાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજીઓ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આવાસોની ફાળવણી ડ્રો દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે.

દરેક લાભાર્થીએ રૂ. 5.50 લાખનો ફાળો ભરવાનો રહેશે. આ યોજના હેઠળ શહેરમાં અત્યાર સુધીમાં 2527 આવાસો પૂર્ણ કરી લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે. આ 130 આવાસો સાથે કુલ 2657 આર્થિક રીતે નબળા વર્ગ (EWS)ના લોકોને લાભ મળશે.

વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 3 લાખ સુધીના શહેરીજનો આ યોજનાનો લાભ લઈ શકશે. અરજી સાથે રૂ. 3 લાખ સુધીની આવકનો દાખલો અથવા 3 વર્ષનું આઈટીઆર, કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, લાઈટબિલ જેવા દસ્તાવેજો જરૂરી રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ યોજના શહેરી ગરીબોને પોસાય તેવા આવાસ પૂરા પાડવાના ઉદ્દેશથી અમલમાં મૂકવામાં આવી છે.

Share :

Leave a Comments