સીઝ થયેલી મિલકતો હરાજી વગર અપાવવાની લાલચ આપી કન્સ્ટ્રક્શન વેપારી સાથે રૂ.1.15 કરોડની છેતરપિંડી

SBIના લોન એજન્ટની ખોટી ઓળખ આપી કરોડોની ઠગાઈ

MailVadodara.com - Construction-businessman-defrauded-of-Rs-1-15-crore-after-being-lured-with-the-promise-of-acquiring-seized-properties-without-an-auction

- કૌશિકભાઈ પટેલે SBIના લોન એજન્ટ તરીકે ઓળખ આપી, RTGS અને NEFT મારફતે રૂ.1,39,97,000 મેળવ્યા, સ્ટેમ્પ ડ્યુટીના નામે રોકડા રૂ.15,12,000 વસૂલ્યા

રાજ્યમાં છેતરપિંડીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે, ત્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લોન એજન્ટ તરીકેની ખોટી ઓળખ આપીને કન્સ્ટ્રક્શન વેપારી સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બેંક દ્વારા સીઝ કરાયેલી મિલકતો વગર હરાજીએ અપાવવાની લાલચ આપીને આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદી સાથે રૂપિયા 1.15 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી છે.

આરોપી કૌશિકભાઈ પટેલ દ્વારા કન્સ્ટ્રક્શન વેપારી નિલેશ ગોવિંદભાઈ પટેલ સાથે પોતે એસબીઆઈ બેંકમાં લોન એજન્ટ તરીકે નોકરી કરતા હોવાની ખોટી ઓળખ આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બેંકમાં એનપીએ (NPA) થયેલ અને સીઝ થયેલી અલગ-અલગ મિલકતો બતાવીને તે મિલકતો વગર હરાજીએ સીધી અપાવી દઈશ તેવો વિશ્વાસ અપાવ્યો હતો.

આરોપીએ ફરિયાદી પાસેથી મિલકતો ખરીદવાના નામે અલગ-અલગ સમયે પોતે તથા પોતાના પરિચિત મિત્રોના ખાતાઓમાં આરટીજીએસ અને એનઈએફટી (NEFT) દ્વારા કુલ રૂ.1,39,97,000 જમા કરાવડાવ્યા હતા. આ રકમ બેંકમાં જમા થઈ ગયાની ખાતરી આપવા માટે એસબીઆઈ બેંકના લેટરપેડ પર ખોટી સહીઓ કરી બનાવટી રસીદો, ડેબિટ-ક્રેડિટ વાઉચરો અને મિલકતોના હરાજીના ખોટા ઓક્શન લેટરો તૈયાર કરીને ફરિયાદીને વિશ્વાસમાં રાખ્યા હતા.

આટલું જ નહીં, મિલકતોના દસ્તાવેજ કરવા માટે સ્ટેમ્પ ડ્યુટી પેટે ટુકડે-ટુકડે રોકડા રૂ. 15,12,000 પણ વસૂલવામાં આવ્યા હતા, જેથી કુલ મળીને રૂ. 1,55,09,000 જેટલી માતબર રકમ ફરિયાદી પાસેથી પડાવી લેવામાં આવી હતી. તે બાદ બેંક દ્વારા જમા કરાવેલ રકમ કરતાં વધુ રકમ પરત મળશે તેમ જણાવી અન્ય વ્યક્તિઓના નામના ચેક આપવામાં આવ્યા હતા, જે બેંકમાંથી બાઉન્સ થઈને પરત ફર્યા હતા અને નક્કી કર્યા મુજબ મકાનનો વેચાણ દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યો ન હતો.

બાહેધરી ખતના લખાણનું પાલન નહીં કરી આરોપીએ અત્યાર સુધીમાં માત્ર રૂ. 39,50,000 જેટલી જ રકમ પરત આપી છે. બાકી નીકળતી રૂ. 1,15,59,000જેટલી મોટી રકમ આજદિન સુધી વારંવાર માંગણી કરવા છતાં પરત આપવામાં આવી નથી. ઉલટાનું, નાણાં માંગતા આરોપી દ્વારા ફરિયાદીને ધાક-ધમકીઓ આપીને આ ગુનાહિત કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે હરણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments