- આરોપી પિતા-પુત્રએ ધમકી આપી કે, મને ઓળખતા નથી, મારી પાસે ખૂબ મોટું નેટવર્ક છે, વડોદરામાં રહેવું હોય તો મારી સાથે પંગો ન લેતા નહીં તો તમારા હાથ-પગ તોડાવી નાખીશ
- વારસિયા પોલીસે આ બનાવ અંગે 2 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
વડોદરામાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયી યુવક પાસેથી દુબઈના પેકેજ ઉપરાંત 6.24 લાખ રૂપિયા લીધા બાદ રૂપિયા પરત કર્યા ન હતા અને હાથ પગ તોડવી નાખવાની ધમકી આપી હતી. આ મામલે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયી મહેશકુમાર બળવંતસિંહ ગઢવીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે આરોપી રાજીવ પારેખ અને તેના પુત્ર આર્યન રાજીવ પારેખે તેમના સમગ્ર પરિવારને દુબઈ ખાતે ટૂર પર લઈ જવા માટે 8.85 લાખ રૂપિયાનું પેકેજ કોટેશન આપ્યું હતું. જેમાં ફ્લાઇટ ટિકિટ, હોટલ રોકાણ, સ્થળાંતર અને હરવા-ફરવાના તમામ ખર્ચાનો સમાવેશ થતો હતો.
આ કોટેશનના આધારે ફરિયાદીએ આરોપીઓને એડવાન્સમાં 8.69 લાખ રૂપિયા આપી દીધા હતા. આરોપીઓએ ફરિયાદી તથા તેમના પરિવારને અમદાવાદથી અબુધાબી થઈને દુબઈ લઈ જઈ હયાત હોટલમાં રોકાણ કરાવ્યું હતું, પરંતુ પેકેજમાં સમાવિષ્ટ ખર્ચા ઉપરાંત આરોપીઓએ ફરિયાદી પાસેથી વધારાના રૂ. 6,24,190 ઉઘરાવ્યા હતા. જેમાં રૂ. 2,26,000 ઉધાર તરીકે અને રૂ. 3,98,190 હોટલ તથા સાઇટ-સીઇંગની ટિકિટના નામે વધારાના ખર્ચ તરીકે વસૂલ કરવામાં આવ્યા હતા.
દુબઈથી પરત ફર્યા બાદ ફરિયાદીએ આ વધારાના રૂ. 6,24,190 પરત માંગતાં આરોપીઓએ નાણાં આપવાનો ઇનકાર કરી દીધો હતો અને ફરિયાદીના નાના ભાઈ મિહિરકુમાર ગઢવીએ આરોપી રાજીવ પારેખના મોબાઇલ નંબર પર ફોન કરી નાણાં પરત માંગ્યા ત્યારે આરોપીએ ધમકીઓ આપી હતી.
આરોપી રાજીવ પારેખે ફોન પર કહ્યું હતું કે, તમને કોઈ પૈસા મળવાના નથી. મારી પાસેથી હવે પૈસાની માંગણી કરશો તો તમે મને ઓળખતા નથી, મારી પાસે ખૂબ મોટું નેટવર્ક છે. વડોદરામાં રહેવું હોય તો મારી સાથે પંગો ન લેતા. નહીં તો તમારા હાથ-પગ તોડાવી નાખીશ, ધંધા પર આવવા-જવાનું બંધ કરાવી દઈશ અને તમારો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો પૂરો બંધ કરાવી દઈશ. વારસિયા પોલીસે આ બનાવ અંગે 2 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


