ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલ ઓઇલ આપવાના બહાને વેપારી સાથે રૂા.32.64 લાખની ઠગાઇ, દિલ્હીની ત્રિપુટી સામે ફરિયાદ

સાવલીમાં રહેતા વેપારીએ આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Complaint-filed-against-a-trio-from-Delhi-for-defrauding-a-trader-of-Rs-32-64-lakh-under-the-pretext-of-supplying-industrial-fuel-oil

- ઓડિસાના પૂર્વ CM નવીન પટનાયકના સગા હોવાનો દાવો કરીને ખોટું ઇન્વોઇસ આપી રૂપિયા પડાવ્યા

- પિતા પુત્ર સહિતની ત્રિપુટીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ

વડોદરા જિલ્લાના સાવલીના એક પેટ્રોકેમિકલ વેપારીને ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલ ઓઇલ સપ્લાય કરવાના બહાને દિલ્હી સ્થિત કંપનીના ડિરેક્ટર પિતા પુત્ર સહિતની ત્રિપુટીએ 32.64 લાખની છેતરપિંડી આચરી છે. વેપારીને ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકના સગા હોવાનો દાવો કરી વિશ્વાસ જીત્યો હતો અને બર્થડે પાર્ટીમાં બોલાવી ઓળખાણ વધારી હતી. ત્યારબાદ ખોટું ઇન્વોઇસ અને પોર્ટ પરથી માલ લોડ થયાના દસ્તાવેજો મોકલીને મોટી રકમ ટ્રાન્સફર કરાવી હતી. જોકે રૂપિયા મળ્યા બાદ માલની ડિલિવરી આપી નહોતી અને નાણા પરત માંગતા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વેપારીએ આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી છે.

સાવલીની સાયકૃપા સોસાયટીમાં રહેતા અને વડોદરાના નટુભાઈ સર્કલ પાસે વિશાલ ઇન્ડસ્ટ્રીઝ નામે પેટ્રોકેમિકલ પ્રોડક્ટનો વેપાર કરતા વિશાલ પ્રકાશ વ્યાસે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે લગભગ 6 મહિના પહેલાં તેમની ઓળખાણ તપસ રંજન પટનાયક અને તેમના પુત્ર આશુતોષ પટનાયક સાથે થઈ હતી. આશુતોષે પોતે ઓડિશાના માજી મુખ્યમંત્રી નવીન પટનાયકના કઝીન હોવાનું તેમજ ભારત સરકારના હેલ્થ એડવાઇઝર હોવાનું કહી વિઝિટિંગ કાર્ડ પણ મોકલ્યું હતું.

આશુતોષે ઇન્ડસ્ટ્રીયલ ફ્યુઅલ ઓઇલનો વેપાર કરતો હોવાનો વિશ્વાસ અપાવી કંડલા પોર્ટ પર માલ તૈયાર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વેપારીએ 15 જુલાઈએ માલનો ઓર્ડર આપ્યો હતો. બીજા દિવસે રૂ.32.17 લાખથી વધુનું ઇન્વોઇસ મોકલી માલ તૈયાર હોવાનું જણાવી ચુકવણી કરવાની માંગણી કરવામાં આવી હતી. લેપારીના જણાવ્યા મુજબ તેમની ટ્રક કંડલા પોર્ટ સુધી મોકલવામાં આવી હતી અને માલ લોડ થયાની આઉટવર્ડ વેઇમેન્ટ સ્લિપ સહિતના દસ્તાવેજો પણ વોટ્સએપ પર મોકલવામાં આવ્યા હતા.

આ દસ્તાવેજોના આધારે વેપારીએ બે હપ્તામાં 32.64 લાખ રૂપિયા આરોપીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ ચુકવણી થયા છતાં માલની ડિલિવરી આપવામાં આવી નહોતી. બાદમાં તપાસ કરતાં માલ અગાઉથી અન્ય સપ્લાયરના બાકી ચૂકવણાંને કારણે અટક્યો હોવાનું જાણવા મળ્યું હતું. ખોટું ઇન્વોઇસ બનાવી વેપારી પાસેથી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી. વેપારીએ નાણા પરત માંગતા આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે પોલીસે તપસ રંજન પટનાયક, રણજિતા તપસ પટનાયક અને આશુતોષ તપસ પટનાયક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments