ઇરાકમાં નોકરી કરતા NRI પાસેથી ફાર્મહાઉસ બનાવવા 16.80 લાખ લઇ કોન્ટ્રાક્ટરે હાથ ઊંચા કરી દેતા ફરિયાદ

જાહેરાત વાંચીને NRI એ ફાર્મહાઉસ બનાવવા કોન્ટ્રાક્ટ આપ્યો હતો

MailVadodara.com - Complaint-filed-after-a-contractor-backed-out-of-the-deal-after-taking-16-80-lakh-from-an-NRI-working-in-Iraq-to-build-a-farmhouse

- રૂ.16.80 લાખ લઈને માત્ર રૂ.2.95 લાખનું કામ કર્યું, નાના ચાડવા ગામે બાંધકામ અધૂરું છોડ્યું

- કોન્ટ્રાક્ટર ભાવિન શાહ સામે ફરિયાદ, અન્ય છ લોકો સાથે કુલ રૂ.47.31 લાખની છેતરપિંડીનો આક્ષેપ

વડોદરા શહેરમાં ન્યૂઝ પેપરની જાહેરાત દ્વારા આકર્ષિત કરી લોકો સાથે ઠગાઈ આચરતા એક ભેજાબાજ કોન્ટ્રાક્ટરનો ભાંડો ફૂટ્યો છે. ફાર્મહાઉસ બનાવી આપવાનું કહીને ઇરાકમાં નોકરી કરતા એક NRI (Non-Resident Indian) પાસેથી 16.80 લાખ રૂપિયા પડાવીને માત્ર 2.95 લાખનું જ નબળી ગુણવત્તાનું કામ કરી કોન્ટ્રાક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા. આ કોન્ટ્રાક્ટર ભાવિન શાહે અન્ય 6 લોકો સાથે પણ છેતરપિંડી આચરી કુલ 47.31 લાખ રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનું સામે આવતા કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા પરાગકુમાર કીરીટકુમાર ભગત હાલમાં ઈરાક ખાતે 'પેટ્રોચાઇના' કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આશરે એક વર્ષ પહેલાં ન્યૂઝ પેપરમાં કન્સ્ટ્રક્શન અંગેની જાહેરાત વાંચીને તેમણે 'એવન કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ટિરિયર' ના સંચાલક ભાવિન ચંદુલાલ શાહનો સંપર્ક કર્યો હતો. બંને વચ્ચે પંચમહાલના નાના ચાડવા ગામે એક ફાર્મ હાઉસ બનાવવા અંગે રૂ. 29 લાખમાં મટિરિયલ સહિતના બાંધકામનો લેખિત કરાર કરવામાં આવ્યો હતો.

કરાર મુજબ પરાગભાઈએ કોન્ટ્રાક્ટર ભાવિન શાહને અલગ-અલગ સમયે બેંક મારફતે કુલ રૂ. 16.80 લાખ ચૂકવી આપ્યા હતા. જોકે, લાંબો સમય વીતવા છતાં બાંધકામ ન થતાં પરાગભાઈને શંકા ગઈ હતી અને તેમણે એક ખાનગી એન્જિનિયરિંગ કંપની પાસે સાઈટ પર થયેલા કામની ચકાસણી કરાવી હતી. રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો કે ફાર્મ હાઉસમાં માત્ર રૂ. 2.95 લાખ જેટલું જ કામ થયું છે અને તે પણ અત્યંત નબળી ગુણવત્તાનું છે. આમ, આરોપીએ રૂ. 13.84 લાખની માતબર રકમની સીધી છેતરપિંડી કરી હતી. જ્યારે પરાગભાઈએ બાંધકામ પૂર્ણ કરવા અથવા બાકીના રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીએ તેમને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું.

આ મામલે કારેલીબાગ પોલીસે અરજીના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે આરોપી ભાવિન ચંદુલાલ શાહ રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ વડોદરાના કપુરાઈ, પાણીગેટ અને ગોરવા પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ભાવિન શાહે પરાગભાઈ ઉપરાંત અન્ય 6 લોકો પાસેથી પણ લાખો રૂપિયા પડાવ્યા છે.

જેમાં નૌકાબેન રૂચીરભાઈ પટેલ પાસેથી રૂ. 8.01 લાખ, જગજીતસિંગ સલવીંદરસિંગ સંધુ પાસેથી રૂ. 4.50 લાખ, ભાઈલાલભાઈ નારણભાઈ વણકર પાસેથી રૂ. 3.39 લાખ, ચંદ્રકાંત નારણભાઈ પટેલ પાસેથી રૂ. 3 લાખ, જીજ્ઞેશ ચંદ્રકાંત શાહ પાસેથી રૂ. 4.40 લાખ અને હસમુખભાઈ વાડીલાલ ડબગર પાસેથી રૂ. 7.21 લાખ પડાવી લઈને કુલ રૂ. 47.31 લાખની મહાઠગાઈ આચરી છે. કારેલીબાગ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments