મકાન વેચાણ બાદ વધુ 4 લાખ પડાવવા દારૂની બોટલ ફોડી માથામાં ગોળી મારવાની ધમકી આપતા ફરિયાદ

સમા વિસ્તારમાં રહેતા ડાહ્યાભાઇ ભરવાડે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Complaint-filed-Threat-to-smash-a-liquor-bottle-and-shoot-in-the-head-made-to-extort-an-additional-4-lakh-after-the-sale-of-a-house

- પઠાણી ઉઘરાણી માટે ઓફિસે પહોંચી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી

- પોલીસ અરજી પાછી ખેંચવા દબાણ કરાયું, પંજાબથી બંદૂક લાવવાની પણ ધમકી અપાઈ

વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા અને કડિયાકામનો વ્યવસાય કરતા ડાહ્યાભાઈ ભરવાડ પાસે મકાન વેચાણ પેટે વધારાના 4 લાખની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. છાણી ગુરુદ્વારા પાસે રહેતા બલજીતસિંઘ હલોન નામના શખસે મકાનના સોદા બાદ વધુ નાણાં મેળવવા ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આરોપી બલજીતસિંઘ સમા મામલતદાર કચેરી સામે આવેલી ફરિયાદીની ઓફિસે ધસી આવ્યો હતો અને તેમના ભાઈ દેહુરભાઈને ધમકી આપી હતી કે, જો વધારાના 4 લાખ નહીં આપે તો ડાહ્યાભાઈને પતાવી દેશે સાથે પોતે આત્મહત્યા કરી તેનું નામ લખાવી દેશે. આ ઘટનાના બે-ત્રણ દિવસ બાદ તે ફરી હાથમાં દારૂની બોટલ લઈ ઓફિસે પહોંચ્યો હતો અને બોટલ ફોડી ડાહ્યાભાઈ તેમજ તેમના પરિવારને ખતમ કરી નાખવાની ધમકી આપતાં પોલીસ બોલાવવામાં આવી હતી.

પોલીસ અરજી બાદ આરોપીના એક અજાણ્યા સાગરીતે ફરિયાદીને સમાધાન માટે 10થી વધુ વખત ફોન કર્યાં હતા. ત્યારબાદ આરોપી ફરિયાદીની ઓફિસે રૂબરૂ પહોંચ્યો હતો અને તેમના ભાઈ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને ધમકી આપી હતી કે બલ્લી પંજાબથી બંદૂક લઈને નીકળી ગયો છે, હવે જોઈ લેજો.

આ ઘટના બાદ ફરિયાદીના ભત્રીજા વશરામે એક ઓડિયો રેકોર્ડિંગ સંભળાવ્યું હતું, જેમાં આરોપી બલજીતસિંઘ માથામાં ગોળી મારી દેવાની અને પોલીસ અરજી પાછી ખેંચી લેવાની ધમકી આપતો સંભળાય છે. સમગ્ર મામલે ફરિયાદીએ પુરાવારૂપે ઓડિયો રેકોર્ડિંગ સાથે સમા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી કાયદેસરની કડક કાર્યવાહીની માંગ કરી છે.

Share :

Leave a Comments