- એજન્ટે મિલીન પટેલે દંપતીને કેનેડા પહોંચ્યા બાદ વર્ક પરમિટ મળી જશે તેવો દાવો કર્યો હતો
- દંપતી વેનકુવર એરપોર્ટ પર પહોંચતા ઇમિગ્રેશન તપાસમાં હોટલ બુકિંગ ન હોવાનું અને ટિકિટ કેન્સલ હોવાનું જણાતા તેમને ભારત મોકલ્યા હતા, ઘટનામાં 3 હજાર યુએસ ડોલરનો દંડ થયો
વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામની રહેવાસી નાન્સીબેન પટેલે પોતાની સાથે વિદેશ જવાના વર્ક પરમિટના નામે રૂ. 33.72 લાખની ઠગાઈ થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમના ગામના વ્રજકુમાર કલ્પેશભાઈ પટેલ મારફતે મિલીન ઇન્દ્રવર્ધન પટેલ નામના એજન્ટે તેમની પાસેથી મોટી રકમ લઈ, નકલી વિઝિટર વિઝા આપી અને વર્ક પરમિટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા આખરે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ડભોઇ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓના પતિ હાલમાં ખેતીકામ કરે છે, વર્ષ 2022માં વિદેશ જવાની ઇચ્છા રાખતા તેમણે મિલીન ઇન્દ્રવર્ધન પટેલ (રહે. કંડારી, તા. કરજણ, હાલ શિવાય ઓવરસીઝ, માંજલપુર, વડોદરા)નો સંપર્ક કર્યો હતો. મિલીને લંડનના વર્ક પરમિટ વિઝા માટે રૂ.35થી 37 લાખનો ખર્ચ થશે તેવું જણાવ્યું હતું. આ માટે તેમણે 12 ઓક્ટોબર 2022ના રોજ મિલીનને માંજલપુર ખાતે તેમની ઓફિસમાં મળીને ચાર પાસપોર્ટ (બે એક્સપાયર્ડ અને બે ચાલુ), લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ અને બોનાફાઇડ સર્ટિફિકેટ આપ્યા હતા. તે દિવસે રૂ.25,000 રોકડા ચૂકવ્યા હતા. ત્યારબાદ 13 ઓક્ટોબર 2022ના રોજ રૂ.20,000 અને 1 નવેમ્બર 2022ના રોજ રૂ. 20,000 ગૂગલ પે દ્વારા ચૂકવ્યા હતા.
2023માં મિલીને લંડનને બદલે કેનેડાના વર્ક પરમિટ માટે બાંહેધરી આપી હતી. 6 મે 2023ના રોજ કારવણ ગામે સિંધવાઈ માતાના મંદિર પાસે રૂ. 8,50,000 રોકડા ચૂકવ્યા હતા. બાદમાં અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા રોકડ અને ઓનલાઇન બેંકિંગ દ્વારા કુલ મળીને રૂ. 33,72,000 ચૂકવાયા હતા. 9 માર્ચ 2024ના રોજ મિલીનના ઈ-મેલ દ્વારા નાન્સીબેનના પતિને કેનેડાના વિઝિટર વિઝા મોકલવામાં આવ્યા હતા. જોકે, વર્ક પરમિટનું વચન હોવા છતાં વિઝિટર વિઝા આપવામાં આવ્યા હતા.
મિલીને દાવો કર્યો કે કેનેડા પહોંચ્યા બાદ વર્ક પરમિટ મળી જશે. 8 જુલાઈ 2024ના રોજ નાન્સીબેન અને તેમના પતિ અમદાવાદથી દિલ્લી અને દિલ્લીથી વેનકુવર (કેનેડા) ગયા હતા. પરંતુ, કેનેડા એરપોર્ટ પર ઈમિગ્રેશન તપાસમાં હોટલ બુકિંગ ન હોવાનું અને રિટર્ન ટિકિટ કેન્સલ હોવાનું જણાયું હતું. પરિણામે, તેમને એરપોર્ટ પર રોકવામાં આવ્યા અને 11 જુલાઈ 2024ના રોજ ભારત પરત મોકલવામાં આવ્યા હતા. આ ઘટનામાં રૂ.3,000 યુએસ ડોલરનો દંડ પણ થયો, જે હજુ ચૂકવવાનો બાકી છે. આરોપીએ રૂપિયા અને વિઝા પરત ન કરતા આખરે ડભોઇ પોલીસ મથકમાં મિલીન પટેલ સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


