એમ.એસ.યુનિવર્સિટીમાં સ્વચ્છ હોસ્ટેલ અને સ્વચ્છ રૂમ કેટેગરીમાં સ્પર્ધા શરૂ, વિજેતાઓને એવોર્ડ અપાશે

માય હોસ્ટેલ, માય પ્રાઈડ અભિયાનમાં બે કેટેગરીમાં સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરાયું

MailVadodara.com - Competition-for-Clean-Hostel-and-Clean-Room-categories-launched-at-MS-University-winners-to-receive-awards

- તમામ હોસ્ટેલની સ્વચ્છતા સાથે વિદ્યાર્થીઓના રૂમનું પણ મૂલ્યાંકન થશે, વોશરૂમ, કચરા વ્યવસ્થાપન અને કોમન રૂમની સફાઈ ચકાસાશે, રૂમની ગોઠવણી અને સલામતીને પણ ગુણ મળશે

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે હોસ્ટેલ સત્તાધીશો દ્વારા માય હોસ્ટેલ, માય પ્રાઈડ, ક્લીન હોસ્ટેલ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તા. 25 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન બે કેટેગરીમાં સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હોસ્ટેલની એકંદર સ્વચ્છતા ઉપરાંત વિદ્યાર્થીઓના રૂમની સ્વચ્છતાનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે.
સ્પર્ધામાં સ્વચ્છ હોસ્ટેલ અને સ્વચ્છ રૂમ એમ બે કેટેગરી રાખવામાં આવી છે. સ્વચ્છ હોસ્ટેલ કેટેગરીમાં યુનિવર્સિટીની તમામ હોસ્ટેલ ભાગ લેશે, જ્યારે સ્વચ્છ રૂમ કેટેગરીમાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક રીતે ભાગ લઈ શકશે. ચીફ વોર્ડન ડો. વિજય પરમારે જણાવ્યું હતું કે, બંને કેટેગરીમાં 100-100 માર્ક્સ રાખવામાં આવ્યા છે. સ્વચ્છ રૂમ કેટેગરીમાં જે તે રૂમમાં રહેતા વિદ્યાર્થીઓએ પોતાના રૂમની સ્વચ્છતા જાળવવાની રહેશે, જ્યારે સ્વચ્છ હોસ્ટેલ કેટેગરીમાં સમગ્ર હોસ્ટેલની સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરવામાં આવશે.
સ્વચ્છ રૂમ કેટેગરીમાં રૂમની સ્વચ્છતા અને વિદ્યાર્થીઓની વ્યક્તિગત ચોખ્ખાઈ, વસ્તુઓની વ્યવસ્થિત ગોઠવણી, ડસ્ટબિનનું યોગ્ય સંચાલન, કોરિડોર અને પ્રવેશદ્વારની સ્વચ્છતા, રૂમમાં જગ્યાનો કાર્યક્ષમ ઉપયોગ, હવાની અવરજવર, લાઇટિંગ તેમજ સલામતી અને શિસ્ત જેવી બાબતોનું મૂલ્યાંકન કરાશે. જ્યારે સ્વચ્છ હોસ્ટેલ કેટેગરીમાં વોશરૂમની સ્વચ્છતા, વિદ્યાર્થીઓ દ્વારા વોશરૂમનો યોગ્ય ઉપયોગ, કચરાના નિકાલનું વ્યવસ્થાપન, કોમન રૂમની સ્વચ્છતા અને પાણીના વપરાશ જેવી બાબતોને મૂલ્યાંકનના માપદંડમાં સામેલ કરવામાં આવી છે.
તા. 1 ઓક્ટોબરના રોજ સ્પર્ધા પૂર્ણ થયા બાદ બંને કેટેગરીના વિજેતાઓને એવોર્ડ એનાયત કરવા માટે હોમ સાયન્સ ફેકલ્ટીના ઓડિટોરિયમમાં સમારોહનું આયોજન કરવામાં આવશે. આ અભિયાન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ કેળવવાની સાથે હોસ્ટેલ પરિસરને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Share :

Leave a Comments