- વર્ષ 2008થી આ અંગે કોર્ટમાં ચાલતા કેસનો 17 વર્ષે રેલવેની તરફેણમાં ચુકાદો આવ્યો
- વડોદરા પાલિકાએ આ મામલે કાયદાકીય સલાહ લઇ અપીલમાં જવાની તૈયારી શરૂ કરી
વડોદરામાં રેલ્વેની મિલકત પર 10 વર્ષ સુધી ગેરકાયદે હોર્ડિંગ્સ લગાવી રૂપિયા 1.87 કરોડોની કમાણી કરનાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કોમર્શિયલ કોર્ટે કમાણી કરેલી રકમ રેલવેની તિજોરીમાં જમા કરાવવા હુકમ કર્યો છે. વડોદરા કોર્પોરેશને 10 વર્ષ સુધી હોર્ડિગ લગાવી કમાણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, 150 વર્ષ જૂનું વડોદરાનું અલકાપુરી ગરનાળું વડોદરાનાં પૂર્વ અને ભાગને પશ્ચિમ વડોદરા સાથે જોડે છે. ગરનાળા ઉપરથી મુંબઇ-અમદાવાદને જોડતી મુખ્ય રેલ્વે લાઇન પસાર થતી હોવાથી આ ગરનાળાની માલિકી વર્ષોથી રેલ્વે વિભાગની છે તેમછતાં પાલિકા તેને પોતાની માલિકી સમજી પોતાનાં ફાયદા માટે ઉપયોગ કરી રહી છે.

મળેલી માહિતી પ્રમાણે સ્માર્ટ સિટી અંતર્ગત વર્ષ 2004 માં વડોદરા કોર્પોરેશને અલકાપુરી ગરનાળાની અંદરની દિવાલો પર હોર્ડિંગ્સ લગાવી જાહેરાતો કરી કમાણીની શરૂઆત કરી હતી. જોકે, ગરનાળાની માલિકી રેલ્વેની હોવા છતાં પાલિકાએ કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વગર હોર્ડિગ્સ ઠોકી બેસાડ્યા અને 10 વર્ષ સુધી કોન્ટ્રાક્ટર પાસેથી કરોડોની કમાણી કરી હતી. જેને લઈને રેલ્વે વિભાગે વાંધો ઉઠાવી પાલિકા સામે કોર્ટમાં દાવો કર્યો હતો.અને કોન્ટ્રાક્ટર પાસેથી પાલિકાએ મેળવેલી રકમ રેલ્વેની તિજોરીમાં જમા કરાવવાની માંગ કરી હતી.
વર્ષ 2008થી આ અંગે કોર્ટમાં ચાલતા કેસનો 17 વર્ષે રેલ્વેની તરફેણમાં ચુકાદો આવ્યો છે અને કોમર્શિયલ કોર્ટે વ્યાજ સહિત રૂપિયા 1.87 કરોડ રેલ્વેની તિજોરીમાં જમા કરાવવા પાલિકાને હુકમ કર્યો છે. જેને લઇને પાલિકાએ આ મામલે કાયદાકીય સલાહ લઇ અપીલમાં જવાની તૈયારી શરૂ કરી છે.

આ અંગે કોર્પોરેશનના જમીન મિલકત કોમર્શિયલ વિભાગના અધિકારી સુરેશ તુવરે જણાવ્યું હતું કે, રેલવે ગરનાળા પાણી પડતું હતું અને આ ગરનાળા નીચેથી પસાર થતા લોકો ઉપર પડતું હતું. લોકો હેરાન થતા હતા. આથી જે તે સમયે ગરનાળાનું મેઇન્ટેનન્સ કરીને ગરનાળાની બંને બાજુની દીવાલો ઉપર હોર્ડીગ લગાવવા ઇજારો આપવામાં આવ્યો હતો. કોર્ટે જે હુકમ કર્યો છે તે અંગે વકીલની સલાહ લઇને અપીલમાં જઇશું.
આ અંગે સરકારી વકીલ અનિલ દેસાઇએ જણાવ્યું હતું કે, નામદાર કોમર્શિયલ કોર્ટે વડોદરા કોર્પોરેશનને ગરનાળાનો કોમર્શિયલ ઉપયોગ કરી જે કમાણી કરી છે તે થવા જતી રૂપિયા 1.87 કરોડ તાત્કાલિક અસરથી રેલવેની તિજોરીમાં જમા કરાવવા હુકમ કર્યો છે. કોર્પોરેશને તેઓના વકીલ મારફતે આ હુકમ સામે મનાઇ હુકમ માંગતી અરજી પણ કરી હતી. જે અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે.


