- કનુ રબારી સહિતના આરોપીઓએ સરકારી કામમાં રૂકાવટ ઉભી કરી હોવાનો આક્ષેપ
ઉંડેરાની પુષ્પક સોસાયટી નજીક રખડતી ગાય પકડવા ગયેલી પાલિકાની ઢોર પાર્ટી પર પશુપાલકે હુમલો કર્યો હતો. સુપરવાઈઝર સાથે મારામારી કરવા સાથે એક યુવકે બ્લોક મારવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે જવાહરનગર પોલીસે ગુનો નોંધ્યો હતો.
રાવપુરા પ્રસાદ ચેમ્બરમાં રહેતા ભાનુપ્રતાપસિંહ સિંગ આર્મીમાં નિવૃત્ત થયા બાદ પાલિકાની ઢોર પાર્ટીમાં સુપરવાઇઝર તરીકે જોડાયા હતા. રવિવારે તેઓ સહિતના કર્મીઓ પશ્ચિમ ઝોનના વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કામગીરીમાં નીકળ્યા હતા.
દરમિયાન ટીમને ઉંંડેરાથી ઢોર પકડવા બાબતે ફરિયાદ મળી હતી. જેથી ટીમ સવારે 7-30 વાગે ઉંડેરા પુષ્પક સોસાયટીના નાકે પહોંચી હતી. જ્યાં એક ગાય જણાતાં ટીમે તેને પકડી પાડી હતી. ટીમ ગાયને દોરડું બાંધતી હતી ત્યારે કનુ રાજુ રબારી (અમરધામ સોસાયટી, કરોડિયા) આવી પહોંચ્યો હતો. તે કહેવા લાગ્યો કે, ગાય છોડી દો, આ અમારી ગાય છે, તમે કેમ પકડી છે. તે પછી તેણે ભાનુપ્રતાપસિંહની ફેંટ પકડીને ઝપાઝપી કરી હતી. કનુએ અક્ષય અને રાહુલ નામના શખ્સોને પણ બોલાવી લીધા હતા.
દરમિયાન રાહુલ બ્લોક ઉઠાવી મારવાનો પ્રયત્ન કરવા લાગ્યો હતો અને અક્ષયે સુપરવાઇઝરને ધક્કો માર્યો હતો. ત્રણેય યુવક ઢોર પાર્ટીના કર્મચારીને માર મારવાની ધમકી આપી અપશબ્દો બોલતા હતા.
ઢોર પાર્ટીના કર્મીઓએ પોલીસને બોલાવી લેતાં ત્રણેય ભાગી ગયા હતા. જવાહરનગર પોલીસે ત્રણેય જણા સામે સરકારી કર્મીની ફરજમાં રૂકાવટ, મારામારી સહિતનો ગુનો નોંધ્યો છે.


