ડભોઇ ટીબી ફાટક પાસે લોકો શેડ ગેટ નજીક દીપડો દેખાયાનો દાવો, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

દીપડાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વિસ્તારમાં ચર્ચા અને ફફડાટ ફેલાયો

MailVadodara.com - Claims-of-a-leopard-sighting-near-the-Shed-Gate-by-the-Dabhoi-TB-railway-crossing-photo-goes-viral-on-social-media

- રાત્રે ખેતમજૂરો અને શેડના વર્કરોમાં ભયનો માહોલ, પગના નિશાન તપાસી કેમેરા ટ્રેપ ગોઠવવાની માગ

- ફોટો ખરેખર સ્થળનો છે કે નહીં તે અંગે સવાલ, વન વિભાગે હકીકત સ્પષ્ટ કરવાની સ્થાનિકોની માગ

ડભોઇ શહેરના ટીબી ફાટક પાસે રેલવે વિકાસ નિગમના લોકો શેડ ગેટ નજીક રાત્રિના સમયે દીપડો દેખાયાનો દાવો કરાયો છે. દીપડાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વિસ્તારમાં ચર્ચા અને ફફડાટ ફેલાયો છે.

આ ઘટનાથી આસપાસના ખેતરોમાં રાત્રિના સમયે કામ કરતા ખેડૂતો, ખેતમજૂરો અને લોકો શેડમાં કામ કરતા વર્કરોમાં ભયનો માહોલ છે. અંધારામાં ખેતરો તરફ જતા લોકો માટે જંગલી પ્રાણીની હાજરી ચિંતાનો વિષય બની છે.

વાયરલ થયેલા ફોટાને કારણે લોકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, આ ફોટો ખરેખર ડભોઇ ટીબી ફાટક વિસ્તારનો જ છે કે નહીં અને દીપડાની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ છે કે નહીં, તે અંગે વન વિભાગ દ્વારા તપાસ કરવી જરૂરી છે.

સ્થાનિક લોકોની માંગ છે કે વન વિભાગ તાત્કાલિક સ્થળની મુલાકાત લે. દીપડાના પગના નિશાન જેવા પુરાવા ચકાસવામાં આવે અને જરૂર પડે તો કેમેરા ટ્રેપ ગોઠવવામાં આવે. રાત્રિના સમયે ખેતરોમાં કામ કરતા લોકોને સાવચેતી રાખવા માટે સૂચનાઓ પણ આપવામાં આવે. જો દીપડાની હાજરીની પુષ્ટિ થાય તો ટીબી ફાટકથી રેલવે લોકો શેડ અને આસપાસના શેરડીના ખેતરો સુધીના વિસ્તારમાં રાત્રિના સમયે ખાસ તકેદારી રાખવી પડશે. હાલ વાયરલ ફોટાને કારણે લોકોમાં ભય ફેલાયો છે, ત્યારે તંત્ર દ્વારા હકીકત સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે.

Share :

Leave a Comments