વડોદરાના વાડી નાલબંધવાડામાં મહિલાનું ટુ-વ્હીલર ચોરી કરનાર આરોપીને સિટિ પોલીસે ઝડપી પાડ્યો

ગત તા. 23 ઓગસ્ટે ટુ-વ્હીલર ચોરી થતાં મહિલાએ સિટિ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - City-Police-have-apprehended-the-accused-who-stole-a-womans-two-wheeler-in-the-Nalbandwada

- મહિલાને અરબાઝ ઉર્ફે બોઇલર પર શંકા જતાં ફોન કરીને ટુ વ્હીલર અંગે પૂછતાં આરોપી અરબાઝે ટુ વ્હીલર પોતે લઈ ગયાની કબૂલાત કરી તારાથી થાય તે કરી લે તેમ કહ્યું હતું

વડોદરાના વાડી નાલબંધવાડા વિસ્તારમાં મહિલાનું ટુ વ્હીલર ચોરી કરવાના કેસમાં સિટિ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ચોરી થયેલું ટુ વ્હીલર કબજે લીધું છે.

વાડી નાલબંધવાડા સ્થિત બિલાલ એપાર્ટમેન્ટમાં રહેતા આફરીનબાનુ મોહંમદઆદિલ શેખે સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ હાલ સેન્ટ્રલ જેલમાં છે. ગત તા.23 ઓગસ્ટના રોજ સાંજે આશરે પાંચ વાગ્યાના સુમારે તેમનું ટુ વ્હીલર ચોરી થઈ ગયું હતું. ટુ વ્હીલરની આસપાસ તેમજ અન્ય સ્થળોએ તપાસ કરવા છતાં વાહનનો પત્તો ન લાગતાં તેમણે સિટિ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. દરમિયાન તેમને અરબાઝ ઉર્ફે બોઇલર પર શંકા જતાં તેમણે તેને ફોન કરીને ટુ વ્હીલર અંગે પૂછપરછ કરી હતી.

આરોપી અરબાઝે ફોન પર ટુ વ્હીલર પોતે લઈ ગયાની કબૂલાત કરી હતી અને ફરિયાદી મહિલાને તારાથી થાય તે કરી લે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ મહિલાએ પોલીસમાં અરજી આપી હોવાનું જણાવતાં આરોપીએ ટુ વ્હીલર પરત આપી દેવાની બાંયધરી આપી હતી. જોકે, બાંયધરી આપ્યા બાદ પણ તેણે ટુ વ્હીલર પરત કર્યું નહોતું. આ અંગે મહિલાએ પોલીસને જાણ કરતાં સિટિ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી અરબાઝ ઉર્ફે બોઇલરને ઝડપી પાડી તેની પાસેથી ચોરી થયેલું ટુ વ્હીલર કબજે લીધું હતું.

Share :

Leave a Comments