હાલ લગ્નની સીઝન ચાલી રહી હોવાથી મોડી રાત સુધી ડીજે અને લાઉડ સ્પીકર વાગતા હોવાની ફરિયાદો સતત પોલીસ કંટ્રોલ રૂમમાં મળી રહી છે. આ ફરિયાદોને આધારે પોલીસે અવાજ પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બાપોદ પોલીસ સ્ટેશન નજીક સિદ્ધેશ્વર હિલસ્ટોન દ્વારકા નગરી વિસ્તારમાં ડીજે વગાડનાર સત્યમ રામદીલાસ શર્મા (રહે. આંગન હોમ્સ, ખોડિયાર નગર) સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત દંતેશ્વર સોમા તળાવ બ્રિજ પાસે આવેલી દર્શન લોન પાર્ટીમાં ડીજે વગાડનાર કૃણાલ જીતેન્દ્રભાઈ પ્રજાપતિ (રહે. કમળા પાર્ક સોસાયટી, સોમા તળાવ રીંગ રોડ) સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
તે ઉપરાંત સિદ્ધનાથ તળાવ રોડ પર કૃષ્ણ પાર્ટી પ્લોટ પાસે મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડનાર જયદીપ નારાયણભાઈ માળી (રહે. બાવરી કુંભારવાડા, ડભોઇ રોડ) તેમજ નવાપુરા વિસ્તારમાં જોરજોરથી લાઉડ સ્પીકર વગાડતા લાલસિંહ છોટુસિંહ ચૌહાણ (રહે. બહાનપુરા, ચોપદાર ફળિયા) સામે પણ પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, લગ્ન અને અન્ય સમારંભો દરમિયાન નક્કી કરેલા સમય અને અવાજની મર્યાદાનું પાલન કરવામાં આવે, નહીં તો આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.


