દશરથમાં કાર શોરૂમના કેશિયર દ્વારા રૂા.26 લાખની ઉચાપત, ઓડિટ દરમિયાન ગોટાળો બહાર આવ્યો

ઇન્ફિનિયમ મોટર્સ પ્રાઈવેટ લિમિટેડના કેશિયરે છાણી પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Car-showroom-cashier-in-Dashrath-embezzled-Rs-26-lakh-scam-revealed-during-audit

- 13 જાન્યુઆરી 2026થી 13 એપ્રિલ 2026 દરમિયાન વાહનોના વેચાણ તથા વાહનોના સર્વિસ ચાર્જના રૂ. 39.04 લાખમાંથી માત્ર આશરે 12.97 લાખ રૂપિયા જ કંપનીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના 26.06 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી

અમદાવાદમાં આવેલી ઇન્ફિનિયમ મોટર્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીના દશરથ ખાતે આવેલા ટોયોટા શોરૂમમાં કામ કરતા કેશિયર દ્વારા 26 લાખ રૂપિયાની ઉચાપતની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કંપનીના સિનિયર કેશિયર દ્વારા કરવામાં આવેલી તપાસ અને ઓડિટ દરમિયાન આ ગોટાળો બહાર આવ્યો છે.

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા અને ઇન્ફિનિયમ મોટર્સ પ્રાઈવેટ લિમિટેડમાં છેલ્લા 19 વર્ષથી કેશિયર તરીકે ફરજ બજાવતા ફરિયાદી કલ્પેશભાઈ જયંતીલાલ મિસ્ત્રી દ્વારા આ મામલે વડોદરાના છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે પ્રમાણે કંપનીના દશરથ વિસ્તારમાં આવેલ ટોયોટા શોરૂમમાં કેશિયર તરીકે કામ કરતા કરણ સુખદેવભાઈ બારિયા (રહે. વડોદરા) પર આક્ષેપ છે કે, તેમણે ગ્રાહકો પાસેથી લેવાયેલા રૂપિયા કંપનીના ખાતામાં જમા કરાવ્યા વગર પોતાના ઉપયોગમાં લઈ લીધા હતા.

13 જાન્યુઆરી 2026થી 13 એપ્રિલ 2026 દરમિયાન નવા ફોર વ્હીલર વાહનોના વેચાણ તથા સર્વિસ માટે આવેલા વાહનોના ચાર્જ તરીકે ગ્રાહકો પાસેથી વસૂલ કરાયેલા કુલ રૂ. 39.04 લાખમાંથી માત્ર આશરે 12.97 લાખ રૂપિયા જ કંપનીના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના 26.06 લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આ ગોટાળો કંપનીના ચોથા ક્વાર્ટરના ઓડિટ દરમિયાન બહાર આવ્યો હતો.

ત્યારબાદ કંપનીના અધિકારીઓએ આરોપી સાથે સંપર્ક કરતા તેણે શરૂઆતમાં ગેરરીતિ નકારી હતી, પરંતુ, બાદમાં હિસાબ ચકાસણી દરમિયાન અલગ-અલગ તારીખે રૂપિયા ઉચાપત કર્યાની કબૂલાત કરી હતી. કંપની તરફથી વધુ તપાસ માટે શો રૂમના સર્વિસ મેનેજર, સેલ્સ મેનેજર અને અન્ય સ્ટાફના નિવેદનો પણ લેવામાં આવશે. હાલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments