ડભોઈની કોલેજના કેમ્પસ ડાયરેક્ટરને દુબઈ ટૂર પેકેજની ઓફર આપી 1.32 લાખ પડાવ્યા, બે ઠગ સામે ફરિયાદ

માંજલપુરના ચિરાગકુમાર પટેલની `કે.સી. હોલીડેઝ' ટ્રાવેલ એજન્સીના એજન્ટો સામે ફરિયાદ

MailVadodara.com - Campus-director-of-Dabhoi-college-was-offered-a-Dubai-tour-package-and-swindled-Rs-1-32-lakh-complaint-filed-against-two-thugs

- તપાસ કરતા આ ટ્રાવેલ એજન્સીએ અન્ય અનેક લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી હોવાની જાણવા મળ્યું

- પેકેજની વ્યવસ્થા ન કરી અને નાણાં પરત ન આપતા ફરિયાદ નોંધાવી

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા અને ડભોઈની કોલેજમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિ સાથે દુબઈ પ્રવાસના બહાને રૂ. 1.32 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 'કે.સી. હોલીડેઝ' નામની ટ્રાવેલ એજન્સીના એજન્ટોએ નાણાં પડાવ્યા બાદ પ્રવાસની કોઈ વ્યવસ્થા ન કરી ફોન બંધ કરી દેતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

માંજલપુરના ઓમકાર દર્શન ફ્લેટમાં રહેતા 42 વર્ષીય ચિરાગકુમાર હસમુખભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, મે-2025માં એક મિત્ર મારફતે તેમનો સંપર્ક 'કે.સી. હોલીડેઝ' ટ્રાવેલ એજન્સી સાથે થયો હતો. એજન્સીના એજન્ટોએ તેમને દુબઈ માટે 5 રાત અને 6 દિવસના પેકેજની આકર્ષક ઓફર આપી હતી. પ્રતિ વ્યક્તિ રૂ. 44 હજાર લેખે પરિવારના ત્રણ સભ્યો માટે કુલ રૂ. 1.32 લાખ ચૂકવવાનું નક્કી થયું હતું.

શરૂઆતમાં ચિરાગકુમારે આંગડિયા મારફતે રકમ મોકલવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ વિશ્વાસમાં લીધા બાદ તેમણે 3 મે, 2025ના રોજ વડોદરાથી આંગડિયા દ્વારા રૂ. 1.32 લાખ ટ્રાન્સફર કર્યા હતા. એજન્ટોએ ખાતરી આપી હતી કે એક અઠવાડિયામાં વિમાની ટિકિટ અને વિઝા સહિતની તમામ વિગતો મળી જશે. જોકે, નાણાં મળ્યા બાદ એજન્ટોએ દુબઈ મોકલવા માટેની કોઈ જ પ્રક્રિયા હાથ ધરી ન હતી.

પ્રવાસની તારીખ નજીક આવતા જ્યારે ચિરાગકુમારે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે બંને એજન્ટોના મોબાઈલ ફોન બંધ આવવા લાગ્યા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ટ્રાવેલ એજન્સીએ અન્ય અનેક લોકો સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી છે. એજન્ટોએ પેકેજની વ્યવસ્થા ન કરી અને નાણાં પણ પરત ન આપતા અંતે ભોગ બનનાર ડાયરેક્ટરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો દાખલ કરી કે.સી. હોલીડેઝના બંને ફરાર એજન્ટોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments