માર્ચ મહિનાનાં અંત સુધીમાં વીજ કંપની દ્વારા વીજબિલના નાણાંની વસૂલાત માટે કડકાઈ શરૂ

વડોદરામાં MGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ

MailVadodara.com - By-the-end-of-March-the-electricity-company-will-start-stricter-measures-to-collect-electricity-bills

- ત્રણ ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોમાં 600 જેટલા માણસો મેદાનમાં ઉતર્યા

- કંપનીએ ગ્રાહકોને રાહત આપવા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની વ્યવસ્થા

માર્ચ મહિનાનાં અંત સુધીમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વીજબિલના નાણાંની વસૂલાત માટે કડકાઈ શરૂ કરવામાં આવી છે. જે લોકોની વીજબિલની રકમ બાકી છે તેઓ પાસેથી તેની વસૂલાત અને જો પૈસા ન ભરે તો તેના કનેક્શનને કાપી નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે (13 માર્ચે )આ અંગેની ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.

વડોદરામાં બાકી વીજ બિલ વસૂલાત માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા ડિસકનેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. શહેરના ત્રણ ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં કુલ 480 ટીમોમાં 600 જેટલા માણસો આ કામગીરી માટે મેદાનમાં ઉતારવામાં આવી છે. વડોદરામાં MGVCL દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી રહી છે.

કંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી છે તેમછતાં જે ગ્રાહકો બિલ ચૂકવશે નહીં તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. મેગા ડ્રાઇવ દરમિયાન શહેરભરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસકનેક્શનની કાર્યવાહી હાથ ધરાશે.

મધ્ય ગુજરાત વીજ કંપનીના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર પી.એન.થાણાવાલાએ જણાવ્યું હતું કે, શહેર વીજ ગ્રાહકોને યોગ્ય સુવિધા આપવામાં આવી રહી છે. ત્યારે હાલમાં માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે તેવામાં વીજ કંપની દ્વારા બિલ વસૂલવા માટે ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે. ગ્રાહકોને તાત્કાલિક બાકી બિલ ભરવા અપીલ કરી છે. દરેક ડિસ્ટ્રીબ્યુશન કંપનીનું રેન્કિંગ હોય છે એમાં આ એક ઈમ્પોર્ટન્ટ પેરામીટર છે કે 31 માર્ચના અંતે કેટલા પૈસા બિલના બાકી છે. એ હેતુથી તમામ ગ્રાહકોના પૈસા ભરાઈ જાય તે માટે આ ડ્રાઈવ રખાઈ છે.

વડોદરા શહેરમાં લગભગ 8,20,000 જેટલા કનેક્શન છે. અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરમાં એવા કોઈ વિસ્તાર નથી જ્યાં વસૂલાતમાં તકલીફ પડતી હોય. અમુક વિસ્તારો જૂની સિટીમાં કે અમુક એરિયાઓમાં એવી તકલીફ પડતી હોય છે પણ ઓવરઓલ એવો બહુ વાંધો નથી આવતો. તેઓએ ઉમેર્યું હતું કે, આ ડ્રાઈવ એક દિવસ માટે છે.

Share :

Leave a Comments