- ગતિક દાસ પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો
- વિદ્યાર્થીને 108ના કર્મીએ તપાસતા તે મૃત હોવાનું જણાયું હતું, વિદ્યાર્થીના મિત્રોમાં દુખની લાગણી ફેલાઈ

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પી.જીમાં રહી પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થી ગતિક દાસનો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી છે. આ બનાવ અંગે પીજી માલિકે પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે આવી યુવકને જોતા તે મૃત હોવાનું જણાયું હતું. જેથી વિદ્યાર્થીના મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફતેગંજ વિસ્તારમાં બ્લૂ લગૂન હોટેલની પાછળ સ્કાય હોમ પી.જીમાં રહેતા મૂળ જમ્મુ કાશ્મીરના ગતિક અજયકુમાર દાસ (ઉંમર વર્ષ 25) ગત તારીખ 14 નવેમ્બરે રાત્રે 1.30 કલાકે સુભાષ કોલોની ફતેગંજ વિસ્તારમાંથી મૂવી જોઈ આવી સૂઈ ગયા બાદ ગત રોજ ન ઉઠતા પી.જી માલિકે 108ને જાણ કરી હતી.

આ વિદ્યાર્થી વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત હોવાથી પોલીસે આત્મહત્યા, કુદરતી મોત કે અન્ય કોઈ બાબત છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં વિદ્યાર્થીના મિત્રોમાં દુઃખની લાગણી ફેલાઈ છે.


