નિઝામપુરા મહેસાણાનગર પાસે ગાય આડે આવતા બાઇકચાલક અથડાયો, ડિવાઇડરમાં ટકરાતા મોત

વડોદરા શહેરમાં એક જ રાત્રિ દરમિયાન ગાય આડે આવતા અકસ્માતના બે બનાવ બન્યાં

MailVadodara.com - Biker-hit-by-cow-near-Nizampura-Mehsananagar-dies-after-hitting-divider

- બીજા બનાવમાં સોમા તળાવ પાસે બુલેટ ચાલકને આડે ગાય આવતા યુવક 15 ફૂટ ઢસડાયો હતો, જેના કારણે યુવકને લોહી-લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો


વડોદરા શહેરમાં એક જ રાત્રિ દરમિયાન 2 વાહન ચાલકોને ગાય આડે આવી ગઈ હતી. જેમાં વડોદરાના મહેસાણાનગર પાસે ગાયની અડફેટે એક બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. જેના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટનામાં બાઈક ચાલકનું મૃત્યુ થતાં ફતેગંજ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં સોમા તળાવ પાસે બુલેટ ચાલકને આડે ગાય આવતા યુવક 15 ફૂટ ઢસડાયો હતો. જેના કારણે યુવકને લોહી-લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી મંગલ દર્શન સોસાયટીમાં રહેતા સંદિપ નેગી શનિવારે (8 નવેમ્બર) રાત્રે બાઇક લઈને તેમના મિત્ર પ્રશાંત ઐયરને મળવા માટે ગયા હતા. યુવક જતો હતો ત્યારે રસ્તામાં ગાય આવી જતા ગાય સાથે અથડાયો હતો. જેને કારણે સંદિપ ડિવાઈડર સાથે ટકરાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મળસ્કે 3.30 વાગ્યાના અરસામાં પ્રંશાતભાઈને ફોન આવ્યો હતો કે, આ મોબાઈલવાળા વ્યક્તિનો મહેસાણાનગર પાસે અકસ્માત થયો છે. આ બાબતે પ્રશાંતભાઈએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય એક બનાવમાં માંજલપુર ખાતે રહેતો ભાવિન પટેલ પોતાના મિત્રને મળવા માટે ગયો હતો. ભાવિન રાત્રિના 10 વાગ્યાના અરસામાં તેનું બુલેટ લઈને સોમા તળાવથી માંજલપુર ઘર તરફ જઈ રહ્યો હતો, ત્યારે સોમા તળાવ પાસે અચાનક તેની બુલેટની આગળ ગાય આવી જતા તેણે સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે તે 15 ફૂટ રોડ પર ઢસડાતાં લોહીલુહાણ થઈ ગયો હતો. 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકને કાનના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

સોમા તળાવ પાસે ભાવિન પટેલનો અકસ્માત થયો ત્યારે 20થી 25 ગાયો આટા મારી રહી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે, રખડતી ગાયોથી વિસ્તારમાં ખૂબ જ તકલીફ છે.

વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીના અધિકારી વિજય પંચાલે જણાવ્યું હતું કે, રાઉન્ડ ધ ક્લોક અમારી કામગીરી ચાલી રહી છે અને અમે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને ગાયો પકડીને ઢોર ડબ્બામાં પૂરી રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં અમે 300થી વધુ ગાયોને ઢોર ડબ્બામાં પૂરી છે.

Share :

Leave a Comments