પાદરાના કોટના ગામે કોઝવે પરથી પસાર થતાં બાઇક લપસી નદીમાં પડી, દંપતીને બચાવાયાં, 2 બાળક ગુમ

વાઘોડિયાના આલ્વા ગામથી દંપતિ પોતાના બે સંતાન સાથે બાઇક પર કોટના પરત ફરતું હતું

MailVadodara.com - Bike-slips-into-river-while-passing-through-causeway-in-Kotna-village-of-Padra-couple-rescued-2-children-missing

- કોઝવે પર પાણી ભરાયાં હતાં, બાઈક સ્લિપ થતાં પરિવાર નદીના પ્રવાહમાં તણાયો, હું તરત જ નદીમાં કૂદ્યો અને ભાઈ-ભાભીને બહાર કાઢ્યાં, બાળકો હજુ ગુમ : પ્રત્યક્ષદર્શી


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામે ગઇકાલે(5 ઓક્ટોબર) એક દુર્ઘટના બની હતી. કરજણના વિરજઈથી કોટના ગામને જોડતા કોઝવે પરથી પસાર થતી બાઈક અચાનક ઢાઢર વિશ્વામિત્રી નદીમાં વહી જતાં બે બાળકો લાપતા છે, જ્યારે દંપતીને બચાવી લેવામાં આવ્યું છે. ઢાઢર નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં આ ઘટના બની હતી. નદીમાં તણાયેલા હિતેશભાઈ પઢિયાર અને વૈશાલીબેનને વડું ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.


ગઈકાલે સાંજે 7 વાગ્યે ઘટના બની હતી, ત્યારબાદ સ્થાનિકોએ રેસ્ક્યૂ ઓપરેશન કર્યું હતું. જોકે ભારે પાણીનો પ્રવાહ અને નદીમાં મગર હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન અટકાવાયું હતું. આજે સવારે SDRFની ટીમ સ્થળ પર પહોંચી છે અને બે બોટ-JCBની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. આ ઉપરાંત કરજણ ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ છે. સાથે જ ઘટનાની ગંભીરતાને જોતા વડુ પોલીસ અને નાયબ મામલતદાર પણ ઘટનાસ્થળે હાજર છે.


કોટના ગામના રહેવાસી હિતેશભાઈ જયંતીભાઈ પઢિયાર (ઉં.32 વર્ષ) પોતાની પત્ની વૈશાલીબેન (ઉં.29 વર્ષ)ને વાઘોડિયા તાલુકાના આલ્વા ગામથી પોતાનાં બે સંતાન દેવેન્દ્ર (ઉં.5 વર્ષ) અને સોહમ (ઉં. 3 વર્ષ) સાથે બાઈક પર કોટના પરત ફરતાં હતાં. વરસાદને કારણે કોઝવે પર પાણી ભરાયાં હતાં, જેના કારણે બાઈક સ્લીપ થઈ જતાં પરિવાર આખો નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ કોટના ગામના માજી સરપંચ રાજુભાઈ પઢિયાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયાં હતાં અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બાદમાં વડું પોલીસ અને કરજણ ફાયરબ્રિગેડની જાણ કરતાં ટીમો પણ પહોંચી ગઈ હતી અને નદીમાં બાળકોની શોધખોળ શરૂ કરી છે.


કોટના ગ્રામપંચાયત સભ્ય અલ્પેશ ગોહિલે જણાવ્યું હતું કે, હિતેશભાઈ અને તેમનાં પત્ની પિયર અલવા ગામમાંથી આવતાં હતાં અને કોઝવે પર બાઇક સ્લિપ થઈ ગઈ હતી અને બે બાળકો સહિત બાઇક અંદર નદીમાં પડ્યાં હતાં. અહીં નદીમાં થોડું પાણીનું લેવલ વધવાને કારણે બાઇક સ્લિપ થઈ ગઈ હતી અને અંદર પાણીના પ્રવાહમાં તણાયાં હતાં. એમાં પતિ-પત્નીનો બચાવ થયો છે, પણ બાળકોનો અને બાઇકનો પતો નથી. એક બાળકની પાંચ વર્ષ અને નાના બાળકની બે વર્ષની ઉંમર છે. અમારી સ્થાનિક બોટ લઈને અમે ટ્રાઈ કરી અંદર નદીમાં ગયા, પણ મગરો ઘણા જોયા છે એટલે અમારે જેટલું થતું હતું એટલું અમે કર્યું છે અને અમારી પાસે કોઈ વધારે સગવડ ન હતી. અમે કલાકની મહેનત બાદ પરત પાછા બોટ લઈને બહાર આવ્યા છીએ.


સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક દોડી જઈ હિતેશભાઈ અને તેમનાં પત્ની વૈશાલીબેનને બહાર કાઢ્યાં હતાં, પરંતુ તેમનાં બે નાનકડાં સંતાન દેવેન્દ્ર અને સોહમનો હજુ પણ ગુમ છે. હિતેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ દુર્ઘટનાએ આખા કોટના ગામ સહિત પાદરા વિસ્તારમાં ગમગીનીનું મોજું ફેલાવી દીધું છે. સ્થાનિકોએ પ્રશાસનને અપીલ કરી છે કે, વરસાદી મોસમ દરમિયાન આવા કોઝવે પર ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.


પાણીમાં ડૂબેલા હિતેશભાઈના મોટા ભાઈએ જણાવ્યું હતું કે હું ગાડી ધોવા માટે નદી પાસે આવ્યો હતો, આ સમયે નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ વધી ગયેલો હતો. મારા નાના ભાઈ હિતેશ, તેમનાં પત્ની અને બે બાળકો બાઇક સાથે નદીમાં સ્લિપ થઈને પડ્યાં હતાં, જેથી હું તરત જ નદીમાં કૂદી ગયો હતો. મારા ભાઈ અને તેની પત્નીને બહાર કાઢ્યા હતા અને બંને બાળકો હજુ પણ ગુમ છે.

Share :

Leave a Comments