- આરોપીઓ પાસેથી ત્રણ લેપટોપ, 11 મોબાઈલ ફોન, ટીવી, એરટેલ સેટઅપ બોક્સ, વાઈફાઈ રાઉટર, પેન ડ્રાઈવ અને રોકડ મળી કુલ રૂપિયા 2,86,370 નો મુદ્દામાલ જપ્ત કર્યો
આઈસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026 ક્રિકેટ મેચો વચ્ચે ઓનલાઈન સટ્ટાબાજીના કાળા ધંધાને અંકુશમાં લેવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્રણ શખસોને ઝડપી પાડ્યા છે, જેઓ સાઉથ આફ્રિકા અને કેનેડા વચ્ચેની મેચ દરમિયાન મોબાઈલ અને લેપટોપ દ્વારા ઓનલાઈન બેટિંગની પ્રવૃત્તિ કરી રહ્યા હતા.
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર કે.આર. સિસોદીયાના સુચના અનુસાર, એલસીબીની ટીમને બાતમી મળી હતી કે શંકરપુરા ગામમાં રહેતા દીપકભાઈ ભયલાલભાઈ પટેલ પોતાના મકાનમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો ચલાવી રહ્યા છે. 9 ફેબ્રુઆરી 2026ના રોજ રેડ કરતાં ત્યાં લેપટોપ અને ટીવી પર લાઈવ મેચ ચાલુ હતી અને મોબાઈલ દ્વારા આઈડીના માધ્યમથી સટ્ટો રમાડવામાં આવી રહ્યો હતો.

પોલીસે દીપક ભયલાલભાઈ પટેલ (રહે એ/154, અનંતા શુભલક્ષ્મી સોસાયટી, શંકરપુરા ગામ, વડોદરા), સુરેન્દ્રકુમાર ચીમનલાલ પટેલ (રહે કડા દરવાજા, ખજૂરી મહોલ્લો, વીસનગર, મહેસાણા) અને અલ્પેશભાઈ કાંતીલાલ કપાસી (રહે 204, નટરાજ એપાર્ટમેન્ટ, બસ સ્ટેશન રોડ, ગોધરા, પંચમહાલ)ને ઝડપી પાડ્યા હતા.
તપાસમાં આરોપીઓ પાસેથી રોકડ રૂ. 40,170, ત્રણ લેપટોપ (કિંમત રૂ. 75,000), અગિયાર મોબાઈલ ફોન (કિંમત રૂ. 1,10,000), એક ટીવી (કિંમત રૂ. 50,000), એરટેલ સેટઅપ બોક્સ (કિંમત રૂ. 1,000), વાઈફાઈ રાઉટર (કિંમત રૂ. 8,000), પાંચ ચાર્જર (કિંમત રૂ. 500), મલ્ટી પિન બોર્ડ (કિંમત રૂ. 200), બે લેપટોપ ચાર્જર (કિંમત રૂ. 1,000), પેન ડ્રાઈવ (કિંમત રૂ. 500) અને લાઈટ બિલ મળી કુલ રૂપિયા 2,86,370 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, લેપટોપ અને સાત મોબાઈલ જતીનભાઈ મકવાણા (રહે પાણીગેટ પાસે, આયુર્વેદિક ત્રણ રસ્તા, વડોદરા) દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ વરણામા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


