- રૂપિયા 1.41 લાખનો મુદ્દામાલ કબજે, છોટાઉદેપુરના અલ્કેશ અને સુનિલની ધરપકડ
- દારૂ આપનાર અને મંગાવનારની ઓળખ સામે આવી, પોલીસની શોધખોળ શરૂ
વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા કીમિયોનો પર્દાફાશ કર્યો છે. બુટેલગરોએ એક્ટિવાના દરેક ખૂણે-ખૂણામાં દારૂ છુપાવવા માટે એવા અનોખા ચોરખાના બનાવ્યા હતા કે વાહન જોઈને આ ટુ-વ્હીલર છે કે દારૂનું ગોડાઉન? તેવો સવાલ ઊભો થયો હતો. ચોરખાનાઓમાંથી એક પછી એક દારૂની બોટલો નીકળતાં પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. પોલીસે રૂ. 91 હજારની કિંમતની 455 દારૂની બોટલ, બે મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ રૂ. 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી છે.
બાપોદ પોલીસની ટીમને પેટ્રોલિંગમાં બાતમી મળી કે બે એક્ટિવા મોપેડ (GJ-06-PM-5003 અને GJ-23-DB-7712) પર વિદેશી દારૂનો જથ્થો લઈ બે શખ્સો પસાર થવાના છે. પોલીસે તુરંત વોચ ગોઠવી બંને મોપેડને અટકાવ્યા હતા. તપાસમાં મોપેડમાંથી એટલી દારૂની બોટલો નીકળી કે પોલીસ પણ જોતી જ રહી ગઈ હતી. ચોરખાનાઓમાં છુપાવેલા દારૂને શોધતા પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. તપાસ દરમિયાન બંને એક્ટિવામાંથી 91 હજાર રૂપિયાની કિંમતની 455 દારૂની બોટલ મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરતા અલ્કેશ અરવિંદભાઈ રાઠવા (રહે. ખોરવાણીયા, તા.જી. છોટાઉદેપુર) અને સુનિલ પ્રતાપભાઈ રાઠવા (રહે. લગામી, તા.જી. છોટાઉદેપુર)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ.1,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાપોદ પોલીસ સ્ટેશનના PI ડી. ડી. લાડુમોરે જણાવ્યું કે, આ કેસમાં દારૂનો જથ્થો આપનાર છોટાઉદેપુરના લગામી ગામના રિતેશ રાઠવાનું નામ સામે આવ્યું છે. વડોદરાના ડોડકા ગામના લક્ષ્મીબેન અર્જુનભાઈ માળીએ દારૂ મંગાવ્યો હતો. આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ ચાલી રહી છે. પકડેલા બંને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.


