વડોદરા રેલવે સ્ટેશન પરથી મળેલો આસામનો પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ધો.12ની પરીક્ષા આપશે

સાત વર્ષ પહેલાં રેલવે સ્ટેશન પરથી મળેલા આસામના યુવક માટે વડોદરા બીજું ઘર બની ગયું

MailVadodara.com - Assamese-blind-student-found-at-Vadodara-railway-station-to-appear-for-class-12th-exams

- વિદ્યાર્થીએ 2023-24માં ધો.૧૦ની પરીક્ષા આપ્યા બાદ તેના માતા-પિતા તેને ઘરે લઈ ગયા હતા, જોકે તેને આગળ ભણવું હોવાથી પરિવારજનોની સંમતિથી પાછો વડોદરા આવ્યો હતો

- આ વર્ષે વડોદરામાંથી ૧૮ પ્રજ્ઞાચક્ષુ સ્ટુડન્ટસ ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષામાં બેસશે

આજથી સાત વર્ષ પહેલા વડોદરા રેલવે સ્ટેશન પરથી મળેલા આસામના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી માટે વડોદરા બીજું ઘર બની ગયું છે. અહીંયા જ રહીને અભ્યાસ કરનાર આ વિદ્યાર્થીએ પહેલા ધો.૧૦ની બોર્ડ પરીક્ષા આપી હતી અને હવે તે ધો.૧૨ની બોર્ડ પરીક્ષા આપવા જઈ રહ્યો છે.

વડોદરાના સમાજ સુરક્ષા સંકુલની બ્લાઈન્ડ સ્કૂલમાં અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો આસિમ (નામ બદલ્યું છે) કહે છે કે, મને યાદ નથી પણ સાત વર્ષ પહેલા કોઈએ ગૌહાટીથી ઉપડી રહેલી ટ્રેનમાં બેસાડી દીધો હતો.એ પછી હું વડોદરા આવી પહોંચ્યો હતો. મારી ભાષા કોઈને સમજાતી નહોતી અને મારી પાસે ઘરનું એડ્રેસ પણ નહોતું. આખરે મને બ્લાઈન્ડ સ્કૂલની હોસ્ટેલમાં લાવવામાં આવ્યો હતો.

સ્કૂલના આચાર્ય ભરતભાઈ વાહયા કહે છે કે, ચાઈલ્ડ વેલફેર કમિટિએ અમને આસિમની જવાબદારી સોંપી હતી. અમે તેને અમારા દીકરાની જેમ જ રાખ્યો હતો. ગુજરાતી ભાષા શીખવાડવાની સાથે તેનો અભ્યાસ શરુ કરાવ્યો હતો અને જ્યારે તે ધો.૧૦માં હતો ત્યારે ચાઈલ્ડ વેલફેર કમિટિ અને પોલીસના પ્રયાસોના કારણે તેના માતા પિતાનો પતો મળ્યો હતો. આસિમે ૨૦૨૩-૨૪માં ધો.૧૦ની પરીક્ષા આપી તે પછી તેના માતા-પિતા તેને પાછો ઘરે લઈ ગયા હતા. જોકે તેને આગળ ભણવું હોવાથી પરિવારજનોની સંમતિથી પાછો વડોદરા આવ્યો હતો અને હવે તે ધો.૧૨ની પરીક્ષા આપશે.

દીપક ફાઉન્ડેશનની મદદથી ચાલતી બ્લાઈન્ડ સ્કૂલમાંથી દર વર્ષે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપતા હોય છે. આ વખતે ધો.૧૦ના ૫ અને ધો.૧૨ના ૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ ઉપરાંત ચાર પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીઓ બરોડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તે ધો.૧૦ની પરીક્ષા આપશે. આમ 18 પ્રજ્ઞાચક્ષુ સ્ટુડન્ટસ બોર્ડ પરીક્ષામાં બેસશે.આ પૈકી ૧૮ સ્ટુડન્ટસને રાઈટર આપવામાં આવ્યા છે. એક વિદ્યાર્થિની લેપટોપ પર પરીક્ષા આપશે.આ માટે બોર્ડની વિશેષ મંજૂરી લેવામાં આવી છે. ગત વર્ષે પણ એક વિદ્યાર્થિનીએ લેપટોપ સાથે વડોદરામાંથી બોર્ડ પરીક્ષા આપી હતી.ધો.૧૦ અને ધો.૧૨ના એક-એક સ્ટુડન્ટસને બાદ કરતા બાકીના પ્રજ્ઞાચક્ષુ સ્ટુડન્ટસ મધ્ય ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જેવા વિસ્તારોના છે અને તેઓ વડોદરામાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે.

Share :

Leave a Comments