- વડોદરા સર્કલના 23 સબ ડિવિઝનમાં વહેલી સવારથી સામુહિક કાર્યવાહી શરૂ કરાઇ
- ડ્રાઈવ સવારે 8.30થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે, 31 માર્ચ સુધી આ ઝુંબેશ યથાવત રહેશે
MGVCL બરોડા સીટી સર્કલ દ્વારા બાકી વીજ બિલ વસુલાત માટે મેગા ડ્રાઇવ આજથી શરૂ કરવામાં આવી છે. આગામી 31 માર્ચ 2026 સુધીના 3.31 કરોડ સુધીના લક્ષ્યાંકને પૂરો કરવા અને શહેરમાં 11 કરોડ બાકી રકમ વસુલ કરવા MGVCLના 455 કર્મચારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા સર્કલના 23 સબ ડિવિઝનમાં વહેલી સવારથી સામુહિક કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં શહેરમાં 8.20 લાખ વીજ ગ્રાહકોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે 31 માર્ચ સુધી આ ઝુંબેશ યથાવત રહેશે.
આ અંગે વડોદરા સિટી સર્કલ અધિકારી પી.એન.થાનાવાલાએ જણાવ્યું હતું કે, આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે, એમાં MGVCL બરોડા સીટી સર્કલ હેઠળ 23 સબડિવિઝન ઓફિસો છે, જે તમામ સબડિવિઝનમાં આ ડ્રાઈવ ચાલુ છે. તેમાં આપણે લગભગ 455 જેટલી ટીમ તહેનાત કરી છે અને તેમાં લગભગ 550 જેટલો સ્ટાફ શામેલ છે.
વધુમાં કહ્યું કે, આ જે આ બાકી લાઈટ બીલ ધરાવતા ગ્રાહકો છે તેઓની વાત છે, બાકી લાઈટ બીલ 31 માર્ચ સુધીમાં 3.31 કરોડથી વધુ ન રહે અને તે કરતાં પણ ઓછું રહે તે અમારો લક્ષ્યાંક છે. ગઈકાલ સુધી લગભગ 11 કરોડ રૂપિયા બાકી બોલે છે. આ માટે કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત નથી માંગ્યો પણ GUVNLની ઇન્ટર્નલ પોલીસ છે તેમને લિમિટેડ ફોર્સમાં રાખ્યા છે. બરોડા સીટી સર્કલમાં લગભગ 8.20 લાખ આસરે ગ્રાહકો છે, એમાં તમામ કેટેગરીના રેસીડેન્સીઅલ, કોમર્શિયલ ગ્રાહકો આવી જાય છે. આ ડ્રાઈવ સવારે 8.30થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.


